Last Updated on by Sampurna Samachar
જેની પાસે દુકાન નથી એ ઉધાર આપવા નીકળ્યા છે
સાંસદ મનસુખ વસાવાએ ગતરાત્રે આપ ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ગણાતા ચીકદા ગામે જંગી જનસભા ગજવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ પડાવમાં નર્મદા જિલ્લામાં રાજકારણનો પારો ચરમસીમાએ પહોંચ્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગતરાત્રે આપ ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢ ગણાતા ચીકદા ગામે જંગી જનસભા ગજવી હતી. આ દરમિયાન તેમણે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવા પર અત્યંત આક્રમક શૈલીમાં શાબ્દિક પ્રહારો કરી રાજકીય ગરમાવો વધારી દીધો છે.

સાંસદ મનસુખ વસાવાએ આપઅને તેના નેતાઓને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, આ આલિયા-મવાલિયા લોકો વિકાસના કામો ન કરી શકે. આમ આદમી પાર્ટીની તો પોતાની કોઈ દુકાન જ નથી, છતાં તેઓ લોકોને ઉધાર આપવા નીકળ્યા છે. ચૈતર વસાવા અને તેમની કંપની માત્ર લોકોને છેતરવાનું કામ કરી રહી છે. સભા દરમિયાન સાંસદે અનેક ગંભીર મુદ્દાઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે આપનો ડેડિયાપાડા તાલુકા પ્રમુખ પાસે દિવાળી કરવા માટે પૈસાની માંગણી કરે છે.
ચૈતર વસાવા પરના ૧૯ કેસોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, ચૈતરને મનસુખ વસાવાએ નહીં પણ કોર્ટે તડીપાર કર્યો છે. તે લોકોને વિકાસના નામે ગેરમાર્ગે દોરી રહ્યા છે. ચૈતર વસાવાના ગામ બોગજમાં સભા કરવાની હિંમત માત્ર મનસુખ વસાવા જ કરી શકે. ચૂંટણી પરિણામો અંગે ભવિષ્યવાણી કરતા સાંસદે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લા પંચાયતમાં ભાજપ ૧૫ થી ૨૦ બેઠકો મેળવશે. આમ આદમી પાર્ટીનો સંપૂર્ણ સફાયો થઈ જશે અને કદાચ બાકીની બેઠકો પર કોંગ્રેસ જાેવા મળી શકે, પણ આપને એક પણ બેઠક નહીં મળે.