Last Updated on by Sampurna Samachar
જામા મસ્જિદના અસ્તિત્વને લઈને ભારે વિવાદ વકર્યો
આગામી હજારો જૈન શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને મહંતો એકઠા થશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભરૂચ શહેરમાં આવેલી ઐતિહાસિક જામા મસ્જિદના મૂળ સ્વરૂપ અને અસ્તિત્વને લઈને ભારે કાનૂની અને ધાર્મિક વિવાદ ફાટી નીકળ્યો છે. આ મસ્જિદ કે જે પુરાતત્વ વિભાગના સંરક્ષણ હેઠળ રાષ્ટ્રીય વારસાનું સ્થળ છે, તેના ભોંયરામાં કરવામાં આવેલી તપાસ દરમિયાન એક અકલ્પનીય રહસ્ય સામે આવ્યું છે.

સંત સમાજ તરફથી આ કેસમાં કાનૂની લડત આપી રહેલા સ્વામી મુક્તાનંદે એક ચોંકાવનારો વીડિયો સાર્વજનિક કર્યો છે. આ વીડિયો કથિત રીતે ગત માર્ચ મહિનામાં પ્રશાસન અને નિષ્ણાતોની હાજરીમાં કરવામાં આવેલી ગુપ્ત તપાસ દરમિયાન શૂટ કરવામાં આવ્યો હતો.
ભરૂચ પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્તની તૈયારી
જાહેર થયેલા વીડિયો અને દાવો કરનારા ધાર્મિક નેતાઓના જણાવ્યા મુજબ, મસ્જિદના ભોંયરામાં એક એવો દરવાજો હતો જે છેલ્લા ૭૦૦ વર્ષથી ક્યારેય ખોલવામાં આવ્યો ન હતો. પુરાતત્વ વિભાગની પ્રક્રિયા દરમિયાન આ દરવાજો ખોલવામાં આવતા અંદર એક પથ્થરની કોતરણીવાળી વિશાળ શીલા જોવા મળી હતી.
આ શીલા પર પ્રાચીન જૈન સ્થાપત્યની અદભુત કોતરણી છે અને તેની અંદર જૈન ધર્મના ૧૯મા તીર્થંકર ભગવાન મલ્લિનાથ તેમજ અન્ય જૈન દેવતાઓની અતિ પ્રાચીન મૂર્તિઓ કંડારેલી હોવાનો દાવો કરાયો છે. જોકે, પુરાતત્વ વિભાગએ હજુ સુધી આ મૂર્તિઓની ચોક્કસ પુરાતત્વીય ઉંમર કે સત્તાવાર ઓળખ અંગે પોતાની આખરી મહોર મારી નથી અને કોઈ સત્તાવાર નિવેદન આપવાથી બચી રહ્યું છે.
સ્વામી મુક્તાનંદે વીડિયો બાઈટ આપતા જણાવ્યું છે કે, “ભરૂચની જામા મસ્જિદ એ વાસ્તવમાં સદીઓ પુરાણું ભવ્ય જૈન દેરાસર હોવાના આ જીવતા જાગતા પુરાવા છે. જો મસ્જિદ પરિસરમાં આવેલા પ્રાચીન કૂવાની ઊંડી સફાઈ અને વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે, તો તેમાંથી સનાતન અને જૈન સંસ્કૃતિની હજુ પણ વધુ મૂર્તિઓ અને શિલાલેખો મળી શકે તેમ છે.”
બીજી તરફ, આ સનસનાટીપૂર્ણ અહેવાલ વાયરલ થતાં જ જૈન સમાજ અને જુદા જુદા હિન્દુ સંગઠનો આરપારના મૂડમાં આવી ગયા છે. છેલ્લા ૬ મહિનાથી ધીમા અગ્નિ જેમ સળગતો આ વિવાદ હવે ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે.
આગામી ૧૫ જૂનના રોજ, ગુજરાત અને પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાંથી હજારોની સંખ્યામાં જૈન શ્રદ્ધાળુઓ, સાધુ-સંતો અને મહંતો ભરૂચના આંગણે એકત્રિત થવાના છે. આ તમામ સંગઠનો ભરૂચ શહેરમાં એક વિશાળ ઐતિહાસિક જન સરઘસ કાઢીને આ સ્થળ જૈન સમાજને સોંપવા અથવા વધુ કડક વૈજ્ઞાનિક તપાસ કરવાની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે કૂચ કરશે, જેને પગલે ભરૂચ પોલીસ તંત્ર દ્વારા અત્યારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવાની કવાયત શરૂ કરી દેવાઈ છે.