અંદામાનમાંથી પાંચ ટન ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ જપ્ત કરાયું
અત્યાર સુધીનું ડ્રગ્સનું મોટું કન્સાઇનમેન્ટ હોવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતીય કોસ્ટ ગાર્ડે સોમવારે અંદામાનની ફિશિંગ બોટમાંથી લગભગ ૫ ટન ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ જપ્ત કર્યું છે તેમ સંરક્ષણ અધિકારીઓ દ્વારા માહિતી આપવામાં આવી છે. દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે, આ કન્સાઇનમેન્ટ અત્યાર સુધી જપ્ત કરવામાં આવેલું ડ્રગ્સનું સૌથી મોટું કન્સાઇનમેન્ટ હોવાની શક્યતા છે.
આ વસૂલાત ડ્રગની દાણચોરી અને માફિયાઓ સામે હાથ ધરવામાં આવેલા મોટા ઓપરેશનનો એક ભાગ છે. મહિનાની શરૂઆતમાં, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો અને અન્ય સુરક્ષા એજન્સીઓએ ગુજરાતના દરિયાકાંઠેથી ૭૦૦ કિલો મેથામ્ફેટામાઇન રિકવર કર્યો હતો. મહત્ત્વપૂર્ણ છે કે, આ કાર્યવાહીમાં આઠ ઈરાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. ભારતીય જળસીમામાં બની રહેલી આ ઘટનાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, દરિયાઈ માર્ગે ડ્રગ્સનો વેપાર વધી રહ્યો છે અને તેને રોકવા માટે સરકાર સતત ગંભીર પગલાં લઈ રહી છે.
આ ડ્રગની દાણચોરીને રોકવા માટે, ભારતીય કોસ્ટ ગાર્ડ, ભારતીય નૌકાદળ અને ગુજરાત પોલીસની આતંકવાદ વિરોધી ટુકડીએ સંયુક્ત રીતે ઓપરેશન ‘સાગર મંથન-૪’ હાથ ધર્યું હતું. આ ઓપરેશનમાં, બાતમીના આધારે એક ચોક્કસ જહાજની ઓળખ કરવામાં આવી હતી જેને નેવીએ તેના દરિયાઈ પેટ્રોલિંગ જહાજો દ્વારા કબજે કરી હતી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આ સફળતાની પ્રશંસા કરી અને તેને ડ્રગ્સ સામે સરકારની મજબૂત પ્રતિબદ્ધતા અને વિવિધ એજન્સીઓ વચ્ચેના ઉત્તમ સંકલનનું ઉદાહરણ ગણાવ્યું.
૨૦૨૪માં અત્યાર સુધીમાં દરિયાઈ માર્ગે ૩૫૦૦ કિલો ડ્રગ્સની દાણચોરી જપ્ત કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ૧૧ ઈરાની અને ૧૪ પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે. આ તમામ વિદેશી નાગરિકો હાલ ન્યાયિક કસ્ટડીમાં છે અને તેમની સામે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. આવા અનેક મોટા ઓપરેશનો સાબિત કરે છે કે, સરકાર ડ્રગની દાણચોરીને રોકવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.