આ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
આ મામલે અરજીકર્તાનું કહેવું હતું કે વ્હોટ્સએપ કેન્દ્ર સરકારના આઇટી ગાઇડલાઇન્સનું પાલન કરતું નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારતમાં લોકપ્રિય મેસેજિંગ એપ વ્હોટ્સએપને બંધ કરવાની માંગવાળી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે.આ મામલે અરજીકર્તા કહે છે કે વ્હોટ્સએપ કેન્દ્ર સરકારના આઇટી ગાઇડલાઇન્સનું પાલન કરતું નથી. ૨૦૨૧માં કેરળ હાઇકોર્ટે પણ આ અરજીકર્તાની આ માંગનો અસ્વીકાર કર્યો હતો. કેરળના રહેવાસી ઓમનાકુટ્ટન કે. જી.નું કહેવું હતું કે ૨૦૨૧માં કેરળ હાઇકોર્ટે તેમની અરજીને અપરિપક્વ ગણાવીને ફગાવી દીધી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે આઇટી ગાઇડલાઇન્સ સરકારે જાહેર કરી નથી.
હવે વ્હોટ્સએપ પોતે દિલ્હી હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને આઇટી ગાઇડલાઇન્સ ઍન્ડ ડિજિટલ મીડિયા એથિક્સ કોડ, ૨૦૨૧ને પડકાર આપ્યો છે. વ્હોટ્સએપે કહ્યું છે કે તે પોતાની પ્રાયવસી પૉલિસી અનુસાર કામ કરે છે. અરજીકર્તાનું કહેવું હતું કે જ્યારે વ્હોટ્સએપ યુઝર્સની ગોપનીયતા અને ભ્રામક વાતોના પ્રસારને લઈને ભારતના નિયમોનું પાલન કરવા ઇચ્છતું નથી તો તેને અહીં કામ કરવા દેવું જોઈએ નહીં પરંતુ જસ્ટિસ એમ. એમ. સુંદરેશ અને અરવિંદ કુમારની બેન્ચે ઓમનાકુટ્ટનની અરજી ફગાવી દીધી. ત્યારે તમામ જજ નું માનવું હતું કે કેસ દિલ્હી હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.