Last Updated on by Sampurna Samachar
મામલો ગરમાતા પોલીસ બોલાવવાની પડી ફરજ
(સંપૂર્ણ સમાચાર સેવા )
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના યુવા મોલમાં આવેલા મલ્ટિપ્લેક્સ થિયેટરમાં સવારે ૬ વાગ્યાનો પુષ્પા પિક્ચરનો શો હતો પરંતુ તેને પ્રિન્ટ મોડી આવવાને કારણે બે કલાક સુધી શો શરૂ થયો નહીં જેથી પ્રેક્ષકોએ હોબાળો મચાવી ટિકિટના પૈસા પરત માંગ્યા હતા. તો બીજી બાજુ થિયેટરના સંચાલકોએ પોલીસ બોલાવવાની ફરજ પડી હતી જેથી મામલો શાંત પડ્યો હતો.
દક્ષિણ ભારતના ફિલ્મી કલાકાર અલ્લુ અર્જુનનું પુષ્પા પિક્ચર થોડા વર્ષ અગાઉ સફળતા મેળવી હતી. ત્યારબાદ હવે સમગ્ર દેશમાં પુષ્પા ભાગ બે રિલીઝ થયું હતું. જેના શો શરૂ થઈ ગયા જતા ટિકિટના દર પણ રોજબરોજ કરતા ત્રણ ગણા રાખવામાં આવ્યા હતા. તે રકમ ચૂકવીને પણ પુષ્પા ભાગ બે ફિલ્મ જોવા માટે વહેલી સવારે યોજાયેલા શોમાં પડાપડી થઈ ગઈ હતી
તેમ છતાં ટિકિટો મેળવીને અગાઉથી બુકિંગ મેળવી પ્રેક્ષકો પિક્ચર જોવા ઈવા મોલ ખાતેના થિયેટર પર પહોંચ્યા હતા પરંતુ ફિલ્મની પ્રિન્ટ સમયસર પહોંચી નહીં હોવાને કારણે શરૂઆતમાં ૧૦- ૧૫ મિનિટ મોડું શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ તે પછી પણ સતત એક કલાક સુધી ફિલ્મનો શો શરૂ થયો નહીં જેથી પ્રેક્ષકોમાં ગણગણાટ શરૂ થયો હતો અને સતત બે કલાક સુધી ફિલ્મ શરૂ નહીં થતાં પ્રેક્ષકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ટિકિટના પૈસાની પરત માંગણી કરી હતી. જેથી થિયેટરના સંચાલકો અને પ્રેક્ષકો વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા.
વડોદરામાં માંજલપુર વિસ્તારમાં આવેલા જાણીતા થિયેટરમાં પણ પ્રથમ દિવસનો વહેલી સવારનો પ્રથમ છ વાગ્યાનો શો જાેવા માટે પહોંચેલા પ્રેક્ષકોએ શો બે કલાક મોડો શરૂ થતાં ભારે હોબાળો મચાવ્યો હતો. અને રીફંડની માગણી કરી હતી. ભારે હોબાળો થતા થિયેટર સંચાલકોને પોલીસની મદદ લેવાની ફરજ પડી હતી.
પ્રેક્ષકોનો રોષ જોઈને પોલીસે પણ તેઓને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. આખરે પોલીસની દરમિયાનગીરીથી મામલો શાંત પડ્યો હતો. ઘણા વર્ષો બાદ થિયેટરમાં લોકપ્રિય ફિલ્મી કલાકારની ફિલ્મ રિલીઝ થતા પ્રેક્ષકોની પડા પડી થઈ હોવાનો કિસ્સો બન્યો છે.