હિમાલયના બરફમાં ઘટાડાથી સ્થિતિ ગંભીર

Share this Article:

Last Updated on by Sampurna Samachar

અલ નીનો ભારતમાં મચાવશે કહેર, ચોમાસા પર મોટું સંક્ટ

WMO અનુસાર, ૨૦૨૬માં અલ નીનોની વાપસીથી ભારતમાં ઓછો વરસાદ અને વધુ ગરમીનો ખતરો છે

(સંપૂર્ણ સમાચાર સેવા)​

વિશ્વભરમાં હવામાનના બદલાતા મિજાજ વચ્ચે ભારત માટે ૨૦૨૬ પડકારજનક સાબિત થઈ શકે છે. વિશ્વ હવામાન વિજ્ઞાન સંગઠને સંકેત આપ્યો છે કે પ્રશાંત મહાસાગરમાં તાપમાન વધવાને કારણે અલ નીનોની સ્થિતિ ફરી સર્જાઈ શકે છે. શરૂઆતી પૂર્વાનુમાન મુજબ મે થી જુલાઈ વચ્ચે તેની અસર દેખાવાનું શરૂ થઈ શકે છે અને વર્ષના અંત સુધીમાં તે વધુ તીવ્ર બની શકે છે.

વૈજ્ઞાનિકોનું કહેવું છે કે હાલમાં સ્થિતિ તટસ્થ છે, પરંતુ ક્લાયમેટ મોડલ ઝડપથી અલ નીનો તરફ ઝુકાવ દર્શાવી રહ્યા છે. તેનાથી વૈશ્વિક હવામાન પ્રણાલીમાં મોટા ફેરફારોની શક્યતા બની રહી છે, જેની સીધી અસર ભારત પર પણ પડશે.

અલ નીનો (ગરમ), લા નીના (ઠંડો) અને તટસ્થ અવસ્થા

અલ નીનો એ એક કુદરતી આબોહવાની પેટર્ન છે, જેમાં મધ્ય અને પૂર્વી પ્રશાંત મહાસાગરની સપાટીનું તાપમાન સામાન્ય કરતા વધુ ગરમ થઈ જાય છે. તે ‘એલ નીનો-સધર્ન ઓસિલેશન‘  ચક્રનો એક ભાગ છે, જેમાં ત્રણ તબક્કા હોય છે. જેમાં અલ નીનો (ગરમ), લા નીના (ઠંડો) અને તટસ્થ અવસ્થા.

જ્યારે અલ નીનો સક્રિય થાય છે, ત્યારે તે વિશ્વભરમાં પવન અને વરસાદની પેટર્ન બદલી નાખે છે. આ જ કારણ છે કે કેટલાક વિસ્તારોમાં દુષ્કાળ વધે છે, જ્યારે કેટલીક જગ્યાએ અતિશય વરસાદ થાય છે. આ અસંતુલન વૈશ્વિક સ્તરે હવામાનને અતિશય બનાવી દે છે.

અલ નીનોની અસર માત્ર એક પ્રદેશ પૂરતી મર્યાદિત નથી રહેતી, પરંતુ સમગ્ર વિશ્વમાં હવામાનનું ચિત્ર બદલાઈ જાય છે. ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયા જેવા દેશોમાં દુષ્કાળની સ્થિતિ સર્જાઈ શકે છે, જ્યારે દક્ષિણ અમેરિકા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ જોવા મળે છે.

આ સાથે વૈશ્વિક તાપમાનમાં વધારો, ચક્રવાતોની તીવ્રતામાં ફેરફાર અને હવામાનની અનિશ્ચિતતા વધી જાય  છે. WMOઅનુસાર, ૨૦૨૬ના મધ્ય મહિનાઓમાં ઉત્તર અમેરિકા, યુરોપ અને આફ્રિકાના કેટલાક ભાગોમાં સામાન્ય કરતા વધુ તાપમાન નોંધાઈ શકે છે. નિષ્ણાતોનું માનવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે અલ નીનોની અસરો વધુ ગંભીર બની રહી છે. સમુદ્ર અને વાતાવરણમાં વધતી ગરમીને કારણે આવી ઘટનાઓ વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે.

ભારત અલ નીનો પ્રત્યે અત્યંત સંવેદનશીલ માનવામાં આવે છે, કારણ કે દેશની અર્થવ્યવસ્થા અને કૃષિ ઘણી હદ સુધી ચોમાસા પર ર્નિભર છે. ભારતીય હવામાન વિભાગ અગાઉથી જ સંકેત આપી ચૂક્યું છે કે ૨૦૨૬નું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં નબળું રહી શકે છે અને તે લાંબા ગાળાની સરેરાશના લગભગ ૯૨% જ રહી શકે છે.

અલ નીનો વાળા વર્ષોમાં સામાન્ય રીતે ભારતમાં ચોમાસાનો વરસાદ ઓછો થાય છે, વરસાદનું વિતરણ અસમાન રહે છે અને લાંબા દુષ્કાળના ગાળા જોવા મળે છે. તેની સીધી અસર ખેડૂતોની આવક, પાક ઉત્પાદન અને ગ્રામીણ અર્થતંત્ર પર પડે છે. આ સિવાય હીટવેવ વધુ તીવ્ર બની શકે છે, જેનાથી સ્વાસ્થ્ય અને જળ સંસાધનો પર દબાણ વધે છે.

બીજી એક ગંભીર ચિંતા હિમાલય ક્ષેત્ર સાથે જોડાયેલી છે. અહેવાલો અનુસાર, હિંદુ કુશ હિમાલય ક્ષેત્રમાં હિમવર્ષા સામાન્ય કરતા લગભગ ૨૭.૮% ઓછી નોંધાઈ છે, જે છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી નીચું સ્તર છે. આ વિસ્તાર ગંગા, સિંધુ અને બ્રહ્મપુત્રા જેવી મોટી નદીઓ માટે જળ સ્ત્રોત તરીકે કામ કરે છે.

બરફનું ઓછું થવું એ સંકેત આપે છે કે ઉનાળામાં નદીઓના જળ સ્તર ઘટી શકે છે, જેનાથી સિંચાઈ, પીવાના પાણી અને વીજ ઉત્પાદન પર અસર પડી શકે છે. જો  અલ નીનોના કારણે વરસાદ પણ ઓછો થાય, તો આ સ્થિતિ વધુ ગંભીર બની શકે છે અને ઘણા ભાગોમાં જળ સંકટ વધી શકે છે.

નિષ્ણાતોનું માનવું છે કે જો  અલ નીનોનું પૂર્વાનુમાન સાચું સાબિત થાય છે, તો ભારતને અનેક પડકારોનો સામનો કરવો પડી શકે છે. જેમાં નબળું ચોમાસું, વધુ તાપમાન, લૂની તીવ્રતા, પાણીની અછત અને કૃષિ ઉત્પાદનમાં ઘટાડો સામેલ છે. આ ઉપરાંત ખાદ્ય ચીજાેના ભાવમાં વધારો અને ગ્રામીણ આવક પર દબાણ પણ જોવા મળી શકે છે. આ સ્થિતિ માત્ર આર્થિક જ નહીં પરંતુ સામાજિક સ્તરે પણ અસર કરી શકે છે. જણાવી દઈએ કે અલ નીનો એક કુદરતી ચક્ર છે, પરંતુ બદલાતી આબોહવાના યુગમાં તેની અસરો વધુ જાેખમી બની ગઈ છે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.