Last Updated on by Sampurna Samachar
CEO ઈલોન મસ્કે ભારતની ઘટતી વસ્તીના આંકડા પર કરી ચિંતા
વસ્તીનો આ ઘટતો ગ્રાફ ભવિષ્ય માટે ખતરનાક સંકેત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ ભારતમાં ઘટી રહેલા પ્રજનન દરને લઈને વૈશ્વિક સ્તરે ચિંતા શરૂ થઈ ગઈ છે. દુનિયાના અબજોપતિ કારોબારી અને સ્પેસએક્સના CEO ઈલોન મસ્કે ભારતની ઘટતી વસ્તીના આંકડા પર ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મીડિયા સંસ્થાના આંકડાઓનો હવાલો આપતા જણાવ્યું છે કે, ભારતમાં જન્મ દર હવે વસ્તીને સ્થિર રાખવા માટે જરૂરી રિપ્લેસમેન્ટ લેવલ કરતાં પણ નીચે આવી ગયો છે.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આંકડા અનુસાર, ભારતના ઇતિહાસમાં પહેલીવાર પ્રજનન દર આટલી ઝડપથી નીચે આવ્યો છે. માત્ર એક જ દાયકામાં દેશનો કુલ પ્રજનન દર ૨.૩ થી ઘટીને ૧.૯ પર આવી ગયો છે. સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે રાજધાની દિલ્હીનો પ્રજનન દર હવે ઘટીને માત્ર ૧.૨ રહી ગયો છે, જે યુરોપના ફિનલેન્ડ દેશ કરતાં પણ ઓછો છે.
ભારતની વસ્તી ટૂંક સમયમાં જ ખૂબ ઝડપથી ઘટવા લાગશે
મસ્કે ઉમેર્યું કે, શિક્ષિત વર્ગમાં તો આ દર ઘણો સમય પહેલાં જ નીચે જતો રહ્યો હતો. આ અહેવાલમાં ધ ઇકોનોમિસ્ટ માં ૪ જૂનના રોજ પ્રકાશિત થયેલા એક લેખનો સંદર્ભ આપવામાં આવ્યો છે, જેનું શીર્ષક હતું- ભારતની વસ્તી ટૂંક સમયમાં જ ખૂબ ઝડપથી ઘટવા લાગશે. આ ઉપરાંત, સંયુક્ત રાષ્ટ્ર વસ્તી ભંડોળના રિપોર્ટ અનુસાર, ભારતમાં કુલ પ્રજનન દર પ્રતિ મહિલા ૧.૯ જન્મ સુધી ઘટી ગયો છે.
વસ્તીને સ્થિર રાખવા માટે આ દર ૨.૧ હોવો જરૂરી છે, જેને વસ્તી વિજ્ઞાનની ભાષામાં રિપ્લેસમેન્ટ રેટ કહેવાય છે. તેનો સીધો અર્થ એ છે કે સરેરાશ ભારતીય મહિલાઓ હવે એટલી સંખ્યામાં બાળકોને જન્મ નથી આપી રહી, જે એક પેઢીથી બીજી પેઢી સુધી વસ્તીનું કદ જાળવી રાખવા માટે પૂરતું હોય.
વર્ષ ૨૦૨૩ માં ચીનને પાછળ છોડીને ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બન્યો હતો અને હાલમાં ભારતની વસ્તી ૧.૪૬ અબજથી વધુ છે. જોકે, સ્વાસ્થ્ય અને શિક્ષણમાં સુધારો થવા છતાં દેશમાં હજુ પણ વ્યાપક અસમાનતાઓ છે. રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી છે કે ૨૪ વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓના વહેલા લગ્ન અને ત્યારબાદ ડિલિવરી દરમિયાન થતા મૃત્યુદર જેવી સમસ્યાઓ હજુ પણ યથાવત છે.
નિષ્ણાતોના મતે, વસ્તીનો આ ઘટતો ગ્રાફ ભવિષ્ય માટે ખતરનાક સંકેત છે. જો આ જ સ્થિતિ રહી તો આગામી સમયમાં ભારતમાં યુવાનોની સંખ્યા ઓછી થઈ જશે અને વૃદ્ધોની વસ્તી નોંધપાત્ર રીતે વધી જશે. આવી સ્થિતિમાં દેશના આર્થિક વિકાસ પર માઠી અસર પડશે, કારણ કે કામ કરનારા યુવા હાથોની અછત સર્જાશે. સાથોસાથ, આટલી મોટી સંખ્યામાં વૃદ્ધોની સંભાળ રાખવા માટે સામાજિક અને તબીબી માળખા પર ભારે દબાણ ઊભું થશે, જેનાથી સામાજિક તાણાવાણામાં અસંતુલન પેદા થઈ શકે છે.