Last Updated on by Sampurna Samachar
ટેમ્પો ટ્રાવેલર પાર્ક કરેલા ઇન્ડિગો પ્લેન સાથે અથડાતાં અકસ્માત
ટેમ્પો ડ્રાઈવરને ઊંઘ આવતાં બનાવ બન્યો હોવાના અહેવાલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
બેંગલુરુ એરપોર્ટ પર અકસ્માત થયાની માહિતી સામે આવી છે. જોકે ઇન્ડિગો એરલાઇન્સે અકસ્માત અંગે માહિતી આપતું નિવેદન બહાર પાડ્યું હતું. બન્યું એવું કે બેંગલુરુના કેમ્પેગૌડા આંતરરાષ્ટ્રીય વિમાનમથક LFA પાર્કિંગ બે ૭૧ માં ઇન્ડિગો એરલાઇન્સનું વિમાન પાર્ક કરવામાં આવ્યું હતું. ત્યારે અચાનક એક ટેમ્પો ટ્રાવેલર વિમાનના આગળના ભાગ સાથે અથડાયું હતુ.
આ અકસ્માતમાં ટેમ્પો ટ્રાવેલરની છતને ભારે નુકસાન થયું હતું. ગાડીનો કાચ તૂટી ગયો હતો અને ડ્રાઈવરને ઈજા થઈ હતી. વિમાન અને ટેમ્પો વચ્ચેની ટક્કર જોઈને એરપોર્ટ સ્ટાફમાં ગભરાટ ફેલાઈ ગયો. સુરક્ષા કર્મચારીઓ, સ્ટાફ, ઇજનેરો અને અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને બચાવ કામગીરી શરૂ કરી. ઈન્ડિગો એરલાઈન્સના અધિકારીઓને પણ અકસ્માતની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને નુકસાનનો અંદાજ કાઢ્યો હતો.
ડ્રાઇવરની બેદરકારીને કારણે અકસ્માત થયો
બેંગલુરુ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અકસ્માતમાં ટેમ્પો જે વિમાન સાથે અથડાયું તે એરલાઇનનું ૩૨૦ એરબસ હતું. વિમાનના એન્જિનમાં ખામી હતી, તેથી તેને એરક્રાફ્ટ ઓન ગ્રાઉન્ડ (AOG) શ્રેણીમાં પાર્ક કરવામાં આવ્યું હતું. ગ્લોબ ગ્રાઉન્ડ ઇન્ડિયા નામની ગ્રાઉન્ડ હેન્ડલિંગ કંપનીનું ટેમ્પો ટ્રાવેલર અકાસા એરલાઇન્સના કર્મચારીઓને તેમની ઓફિસથી આઇસોલેશન બે લઈ જઈ રહ્યું હતું, જેમને વિમાનનું એન્જિન રિપેર કરવાનું હતું.
સ્ટાફને લઈ જતો ટેમ્પો, વિમાન અને જમીન વચ્ચેના અંતરને જાણ્યા વિના, વિમાનના આગળના ભાગ નીચેથી પસાર થવા લાગ્યો અને વિમાન સાથે અથડાઈ ગયો. ટક્કર થતાં જ ટેમ્પોની છતને નુકસાન થયું. એવું કહેવામાં આવી રહ્યું છે કે ટેમ્પો ડ્રાઈવરને ઊંઘ આવી રહી હતી. સદનસીબે ટેમ્પોમાં ફક્ત ડ્રાઈવર જ હતો, નહીંતર મોટો અકસ્માત થયો હોત.
બેંગલુરુ એરપોર્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અકસ્માતના સમાચાર મળ્યા પછી તરત જ તમામ જરૂરી પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું હતું. મુસાફરો અને એરપોર્ટ કર્મચારીઓની સુરક્ષા અમારી ટોચની પ્રાથમિકતા છે. કર્મચારીઓને ઉતારતી વખતે ટેમ્પો ટ્રાવેલરના ડ્રાઇવરની બેદરકારીને કારણે આ અકસ્માત થયો હતો.
વાહનના ઉપરના ભાગને નુકસાન થયું હતું અને ડ્રાઇવરને સામાન્ય ઇજાઓ થઈ હતી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા અકસ્માતના ફોટામાં ટેમ્પો ટ્રાવેલરની છતને નુકસાન થયું હોવાનું જોવા મળ્યું હતું. ડ્રાઇવરની બાજુને પણ નુકસાન થયું છે અને વિન્ડસ્ક્રીન પણ તૂટી ગઈ છે.