Last Updated on by Sampurna Samachar
મારી પાસે તમામ પૂરાવા છે જેને રજૂ કરીશ
સ્વીટી બૂરાએ પોતાના પતિ પર કર્યા ગંભીર આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ટરનેશનલ બોક્સર સ્વીટી બૂરા અને નેશનલ કબડ્ડી પ્લેયર દીપક હુડ્ડા વચ્ચેનો વિવાદ વધી રહ્યો છે. ત્યારે આ વચ્ચે સ્વીટીએ પતિ સાથે પોલીસ સ્ટેશનમાં મારામારી કર્યા બાદ નવો વીડિયો પોસ્ટ કર્યો છે. જેમાં તેણે પતિ પર ગંભીર આરોપ મૂક્યો છે. ૨૦૨૩ની વર્લ્ડ ચેમ્પિયનશીપ્સ ગોલ્ડ મેડલિસ્ટ સ્વીટી બૂરાએ પતિ દીપક હુડ્ડાને પુરુષ પસંદ હોવાનો ગંભીર આરોપ મૂક્યો છે.
માનસિક રીતે તૂટી ગયેલી હોવાનું જણાવી સ્વીટી બૂરા (Sweety)એ વીડિયોમાં રડતાં રડતાં દાવો કર્યો હતો કે, મારા પતિને પુરૂષમાં રસ છે. મારી પાસે તમામ પુરાવા અને વીડિયો છે. જેને હું પુરાવા તરીકે રજૂ કરીશ. હું તેને સમાજમાં ઉઘાડો પાડવા નહોતી માંગતી પણ તેણે તમામ હદ વટાવી છે.
દીપક હુડ્ડાએ પત્ની અને સાસુ-સસરા સામે નોંધાવી ફરિયાદ
બૂરાએ જણાવ્યું કે, મારી પાસે તમામ વીડિયો અને પ્રુફ છે, જે હું કોર્ટમાં રજૂ કરીશ. હું બધુ જ જણાવીશ, જે-જે ઘટના મારી સાથે બની છે. હું સીધી રીતે છૂટાછેડાં લેવા માંગતી હતી. પરંતુ તેણે કોઈ વિકલ્પ છોડ્યો નહીં. તેણે મને ખૂબ હેરાન કરી. હું મારા માતા-પિતાને પણ આ વાત કહેવા માંગતી ન હતી. પરંતુ તેના વર્તનના લીધે મારે જાહેરમાં આ બોલવુ પડે છે. હું કોર્ટમાં જઈશ. હું કોઈ ખોટા આરોપો મૂકી રહી નથી.
દેશની કબડ્ડી ટીમના પૂર્વ કેપ્ટન દીપક હુડ્ડાએ પત્ની અને તેના પિતા તથા મામા પર મારપીટ કરવાનો આરોપ મૂકતી ફરિયાદ નોંધાવી છે. તેણે કહ્યું કે, હિસાર મહિલા પોલીસ સ્ટેશનમાં મારી પત્ની ઈન્ટરનેશનલ બોક્સર સ્વીટી બૂરાએ મારી સાથે મારપીટ કરી હતી. તેના મામા અને પિતાએ પણ મને માર માર્યો હતો. છેતરપિંડી, મારપીટ, દહેજ ઉત્પીડનના કેસના મામલામાં બંને પક્ષોને પોલીસ સ્ટેશન પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા.
૧૫ માર્ચના રોજ બંને પક્ષો વચ્ચે પોલીસ સ્ટેશનમાં જ વિવાદ થતાં મારપીટ થઈ હતી. સ્વીટી ગુસ્સામાં આવી જતાં તેણે દીપકને ધક્કો માર્યો હતો. દીપક હુડ્ડાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. દીપક હુડ્ડાએ ફરિયાદમાં કહ્યું હતું કે, ૨૫ ફેબ્રુઆરીએ પોલીસ સ્ટેશનમાં સ્વીટી બૂરાએ મારી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, દીપકની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં સ્વીટી બૂરા, તેના પિતા અને મામા વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. અગાઉ સ્વીટી બૂરાએ પોતાના પતિ દીપક હુડ્ડા પર દહેજ ઉત્પીડન સહિત અન્ય કલમો હેઠળ કેસ નોંધાવ્યો હતો. દીપક હુડ્ડાએ સ્વીટી બૂરા પર રોહતક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવ્યો હતો. જેને પોલીસે હિસાર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કર્યો હતો.