Last Updated on by Sampurna Samachar
૧ કરોડ ૧૦ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો
સાયલાના ચોરવીરા ગામની સીમમાંથી ઝડપાયુ ખનન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરેન્દ્રનગર જિલ્લામાં ખાણ ખનીજ વિભાગની ભૂમાફિયાઓ સામે લાલ આંખ છે. ત્યારે ખનીજ વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાયલા તાલુકાના ચોરવીરા ગામની સીમમાં ગેરકાયદેસર રીતે કાર્બોસેલ કાઢવાનું કૌભાંડ ચાલતું હોવાની બાતમીના આધારે તંત્રએ ઓચિંતો છાપો માર્યો હતો.

ખાણ ખનીજ વિભાગની ટીમે જ્યારે ઘટનાસ્થળે દરોડો પાડ્યો ત્યારે ચોરવીરાની સીમમાં ગેરકાયદેસર કુવાઓ ખોદીને કાર્બોસેલનું ખનન કરવામાં આવી રહ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન તંત્રએ ઘટનાસ્થળેથી ૧ લોડર અને ૩ ડમ્પર,૧ બકેટ.૬૦ મેટ્રિક ટન કાર્બોસેલ કોલસો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ તમામ સાધનો અને ખનીજ મળીને કુલ અંદાજે રૂપિયા ૧ કરોડ ૧૦ લાખનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે.
ગેરકાયદે ખનન પાછળ કોણ છે તે પાછળ તપાસ શરૂ
ગેરકાયદે ખનન કરતા તત્વોમાં આ કાર્યવાહીથી ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જપ્ત કરાયેલા વાહનો અને કોલસાના જથ્થાને સુરક્ષાના ભાગરૂપે સુરેન્દ્રનગરના બહુમાળી ભવન ખાતે ખસેડવામાં આવ્યો છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા હવે આ જમીન કોની છે અને આ ગેરકાયદે ખનન પાછળ કોણ મુખ્ય સૂત્રધારો છે તે દિશામાં તપાસ તેજ કરવામાં આવી છે.