સરકારી કર્મચારીઓ માટે આ પ્રકારનો કોઈ ર્નિણય સરકાર લેવાની નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
શું સરકારી કર્મચારીઓ સમયથી પહેલાં નિવૃત્ત થઈ જશે? શું ભારત સરકાર સરકારી સેવામાં રહેવાની મહત્તમ ઉંમર-મર્યાદા ઘટાડવા જઈ રહી છે? કર્મચારીઓની કાર્યક્ષમતા, ક્ષમતા કે આઉટપુટના આધારે તેમની સેવાનિવૃત્તિ વિશે વિચાર કરવામાં આવી રહ્યો છે? ૩૦ વર્ષની સેવા અવધિ પછી કર્મચારીઓને નિવૃત્ત કરવામાં આવશે? સંસદમાં આ અંગે સરકારને સવાલ પૂછવામાં આવ્યા. લોકોનું કહેવું છે કે ધુમાડો ત્યારે ઉઠે છે, જ્યારે કોઈક ચિંગારી હોય.
ભારત સરકારે સંસદના પટ પર સ્પષ્ટ કરી દીધું છે કે ન તો ધુમાડો છે અને ન જ ચિંગારી. ધુમાડાનો ડર છે, જે કર્મચારીઓ, તેમના પરિવારજનો કે સામાન્ય લોકોના મનમાં વ્યર્થ બેઠો છે. ભારત સરકાર કર્મચારીઓ અંગે આ પ્રકારનો કોઈ ર્નિણય લેવાની નથી. એટલું જ નહીં, કોઈ એવો પ્રસ્તાવ પણ નથી, જેના પર વિચાર ચાલી રહ્યો હોય.
ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ સરકારને પૂછ્યું કે ૨૦૦૦ પછી જન્મેલા લોકો માટે રોજગાર વિશે સરકાર શું કરવાની છે? શું તે માટે સરકારી કર્મચારીઓની સેવાનિવૃત્તિની ઉંમર-મર્યાદામાં ફેરફાર કરી ૩૦ વર્ષની સેવા કે ૬૦ વર્ષની ઉંમર (જે પહેલાં આવે તે) કરવાનો વિચાર છે? કેન્દ્ર સરકારની તરફથી આ પ્રકારનો કોઈ પ્રસ્તાવ ન હોવાનો સ્પષ્ટ ઈનકાર કરવામાં આવ્યો. લોકસભામાં સરકાર તરફથી આપેલા જવાબમાં સ્પષ્ટ કહેવામાં આવ્યું કે સરકાર કર્મચારીઓની સેવાનિવૃત્તિની ઉંમર ઘટાડવાને બદલે રોજગાર મેળાં જેવી પહેલ દ્વારા યુવાઓને નોકરી અપાવવાનો પ્રયાસ કરી રહી છે. આ પ્રકારની કોઈ પણ અટકળોને સરકારે સંપૂર્ણ રીતે નકારી કાઢી છે.
જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, સરકાર સરકારી કાર્યો મુજબ નાગરિક સેવાઓમાં યુવાનોને રોજગાર આપવા માટે નીતિઓ, કાર્યક્રમો અને અન્ય પગલાં ઘડવામાં સતત વ્યસ્ત છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રાલયો અને વિભાગોને સમય-સમય પર ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચના આપવામાં આવે છે.
કેન્દ્ર સરકારના તમામ મંત્રાલયો, વિભાગો, કેન્દ્રીય જાહેર ક્ષેત્રના ઉપક્રમો, સ્વાયત્ત સંસ્થાઓ અને શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની સંસ્થાઓમાં ખાલી જગ્યાઓ ભરવા માટે મિશન મોડમાં રોજગાર મેળાઓનું આયોજન કરવામાં આવે છે. તેનાથી યુવાનોને સિવિલ સર્વિસમાં રોજગારીની તકો મળે છે.