Last Updated on by Sampurna Samachar
હાલમાં દેશમાં એક મોટું અને મહત્વપૂર્ણ અભિયાન ચાલી રહ્યું છે
હવે બધી માહિતી ડિજિટલ માધ્યમથી સીધી રેકોર્ડ થશે, જેના કારણે પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાતના ૧૩૩મા એપિસોડમાં દેશમાં ચાલી રહેલા વસ્તી ગણતરી અભિયાન વિશે મહત્વની જાણકારી આપી છે. આ ઉપરાંત તેમણે પવન ઊર્જા અને પરમાણુ ઊર્જા અંગે પણ અત્યંત મહત્વની વાત કહી છે. આ એપિસોડમાં તેમણે દેશની વૈજ્ઞાનિક શક્તિ પર ભારપૂર્વક સંદેશ આપ્યો છે.

વડાપ્રધાન મોદીએ વસ્તી ગણતરી અંગે વાત કરતા કહ્યું કે, હાલમાં દેશમાં એક મોટું અને મહત્વપૂર્ણ અભિયાન ચાલી રહ્યું છે, જેના વિશે દરેક નાગરિકને જાણવું જરૂરી છે. આ વસ્તી ગણતરી અભિયાન છે, આ વખતે વસ્તી ગણતરી ૨૦૨૭ને સંપૂર્ણપણે ડિજિટલ બનાવવામાં આવી છે.
નાગરિકો પોતે પણ પોતાની માહિતી ભરી શકશે
હવે બધી માહિતી ડિજિટલ માધ્યમથી સીધી રેકોર્ડ થશે, જેના કારણે પ્રક્રિયા વધુ ઝડપી અને પારદર્શક બનશે. આ ઉપરાંત,, હવે લોકો પોતે પણ વસ્તી ગણતરીની માહિતી ઓનલાઈન ભરી શકે છે.
વડાપ્રધાન મોદીએ આ મુદ્દે આગળ કહ્યું કે, હવે નાગરિકો પોતે પણ પોતાની માહિતી ભરી શકશે. આ સુવિધા વસ્તી ગણતરી કરતા કર્મચારીઓ ઘરે આવે તે પહેલાં લગભગ ૧૫ દિવસ પહેલા શરૂ કરવામાં આવશે, જેથી લોકો પોતાની સુવિધા મુજબ સમય પસંદ કરી પોતે જ માહિતી આપી શકે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ફોર્મ ભર્યા પછી નાગરિકોને એક ખાસ IDઆપવામાં આવશે, જે તેમના મોબાઈલ અથવા ઈમેલ પર મોકલવામાં આવશે. પછી જ્યારે કર્મચારી ઘરે આવે, ત્યારે આ ID દ્વારા માહિતીનું વેરિફિકેશન થઈ શકશે. આ વ્યવસ્થાને કારણે દેશની વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને વિશ્વસનીય બનશે.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે જે રાજ્યોમાં લોકો પોતે પોતાની માહિતી ભરી ચૂક્યા છે, ત્યાં હવે વસ્તી ગણતરીના કર્મચારીઓ ઘરે-ઘરે જઈને યાદી બનાવવાનું કામ શરૂ કરી દીધું છે. અત્યાર સુધીમાં લગભગ ૧.૨ કરોડ પરિવારોનું આ કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત તેમણે ખાતરી આપી છે કે, લોકો જે માહિતી આપશે, તે સંપૂર્ણપણે સુરક્ષિત અને ગુપ્ત રહેશે. આ માહિતી મજબૂત ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા હેઠળ સુરક્ષિત રાખવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની માહિતી લીક ન થાય.
પીએમ મોદીએ એક વધુ મહત્વની વાત જણાવતા કહ્યું કે, આજે તેઓ એવી શક્તિ વિશે વાત કરવા માંગે છે, જે દેખાતી નથી, પણ જેના વિના જીવન એક ક્ષણ પણ શક્ય નથી. આ શક્તિ છે પવન ઊર્જા.
વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારતે આ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ હાંસલ કરી છે. હવે દેશની પવન ઊર્જા ઉત્પાદન ક્ષમતા ૫૬ ગીગાવોટથી વધુ થઈ ગઈ છે. વડાપ્રધાન મોદીના જણાવ્યા મુજબ, આ સિદ્ધિ સાથે ભારત દુનિયામાં પવન ઊર્જા ક્ષમતા મામલે ચોથા ક્રમે પહોંચી ગયું છે.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે થોડા દિવસ પહેલા દેશના પરમાણુ વૈજ્ઞાનિકોએ મહત્વપૂર્ણ સફળતા મેળવી છે, જેના કારણે સમગ્ર દેશને ગૌરવ અનુભવાયો છે. તમિલનાડુના કલપક્કમમાં આવેલા ફાસ્ટ બ્રીડર રિએક્ટરે ક્રિટિકલિટી હાંસલ કરી છે. પીએમ મોદીએ સમજાવ્યું કે તેનો અર્થ એ છે કે હવે આ રિએક્ટરના ઓપરેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. તેમણે આને ભારતના પરમાણુ ઊર્જા સફરમાં ઐતિહાસિક માઈલસ્ટોન ગણાવ્યો.
તેમણે એ પણ કહ્યું કે આ રિએક્ટર સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી બનાવાયું છે, એટલે તેમાં કોઈ વિદેશી ટેક્નોલોજીનો ઉપયોગ થયો નથી. વડાપ્રધાન મોદીએ આને ભારતની વૈજ્ઞાનિક શક્તિ અને આર્ત્મનિભરતાની મોટી સફળતા ગણાવી છે.