Last Updated on by Sampurna Samachar
પાણીની ટાંકીમાં ઝેર ભેળવવામાં આવ્યું
૧૫૦ થી વધુની ધરપકડ કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકારના વકફ કાયદામાં સુધારા સામે પશ્ચિમ બંગાળમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન સમયે હિંસા ફાટી નીકળી હતી. પ્રદર્શનકારીઓએ બેફામ હિંસા આચરી હતી અને ત્રણ લોકોની હત્યા કરી હતી. મુસ્લિમ બહુમત ધુલિયાન, મુર્શિદાબાદમાં સૌથી વધુ અસર થઇ હતી. આ હિંસાગ્રસ્ત વિસ્તારોમાંથી અનેક લોકો નજીકની નદી પાર કરીને સુરક્ષીત સ્થળે શરણ લેવા માટે મજબુર થયા હતા. જ્યારે મુર્શિદાબાદમાં BSF ની વધુ પાંચ કંપનીઓને તૈનાત કરવામાં આવી છે. જ્યાં કુલ ૧૫૦ થી વધુની ધરપકડ કરવામાં આવી છે. મુર્શિદાબાદમાં અનેક હિન્દુઓ સુરક્ષિત સ્થળે શરણ લેવા મજબુર થયા હતા.
મુર્શિદાબાદમાં વકફ સુધારા સામે વિરોધ પ્રદર્શનો દરમિયાન પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો સાથે જ પોલીસના અનેક વાહનોને સળગાવાયા હતા. જે બાદથી આ વિસ્તારમાં અશાંતિનો માહોલ છે. બંગાળના DGP રાજીવ કુમારે કહ્યું હતું કે પોલીસને સ્પષ્ટ આદેશ છે કે એક પણ હિંસાખોરને સાંખી લેવામાં ના આવે. BSF ના DIG નિલોતપાલ કુમાર પાંડેએ કહ્યું હતું કે જ્યાં પણ અશાંતિ હોવાની જાણ થઇ છે ત્યાં બીએસએફની કંપનીને તૈનાત કરાઇ છે, BSF ની ચાર જ્યારે વધુ પાંચ કંપનીઓ તૈનાત કરાઇ હતી.
૧૫ થી ૨૦ વર્ષના યુવકો દ્વારા હુમલા થયા
BSF ના એક સીનિયર અધિકારીએ કહ્યું હતું કે હિંસા એટલી બેકાબુ બની ગઇ હતી કે જવાનો પણ ઘવાયા હતા, અમારા અનેક વાહનોને સળગાવી દેવાયા હતા, સ્થિતિને કાબુમાં લેવા માટે ઘોસપારા વિસ્તારમાં હવામાં ગોળીબાર કરવો પડયો હતો. જોકે ગોળીબારમાં કોઇ ઘવાયું નહોતું.
BSF અધિકારીના જણાવ્યા મુજબ સમશેરગંજ અને સુતી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોનું ટોળુ રસ્તા પર જોવા મળ્યું હતું અને મહાદેવપુર તરફ જઇ રહ્યું હતું. BSF ના જવાનોને અનેક વિસ્તારોમાં નિશાન બનાવવામાં આવ્યા હતા. મુર્શિદાબાદના ધૂલિયાનમાંથી અનેક લોકો નાવડીમાં બેસી નદી પાર કરીને માલદાના પારલાલપુરની શાળાએ શરણ લેવા પહોંચ્યા હતા. આ શાળામાં આશરે ૫૦૦ લોકોએ શરણ લીધી છે. જેમાં મુખ્યત્વે મહિલાઓ અને બાળકોનો સમાવેશ થાય છે. હિંસા વચ્ચે જીવ બચાવવા માલદા પહોંચેલા આ લોકોએ દાવો કર્યો હતો કે અમારા વિસ્તારની પાણીની ટાંકીમાં ઝેર નાખી દેવાયું હતું, તેથી જીવ બચાવવા માટે અમે ઘર છોડીને ભાગ્યા હતા. અમારા ઘરોમાં લૂંટ કરાઇ અને અનેક મકાનોને આગ લગાવી દેવાઇ હતી. અમારા પર ૧૫ થી ૨૦ વર્ષના યુવકો દ્વારા હુમલા થયા હતા.
જ્યારે ભાજપના પુરૂલિયાના ભાજપના સાંસદ જ્ર્યોતિમય મહતોએ ગૃહ મંત્રીને પત્ર લખીને કેટલાક હિંસાગ્રસ્ત જિલ્લામાં આફ્સ્પા લાગુ કરવાની માંગણી કરી છે અને કહ્યું છે કે જો હિંસાખોરોને રોકવામાં ના આવ્યા તો સ્થિતિ કાબુ બહાર જઇ શકે છે. ભાજપના નેતા સુવેંદુ અધિકારીએ કહ્યું હતું કે ૪૦૦થી વધુ હિન્દુઓને પલાયણ માટે મજબૂર કરાયા છે. તેઓએ સુરક્ષિત સ્થળે શરણ લીધી છે. સુવેંદુ અધિકારીએ શરણ લેનારા હિન્દુઓના વીડિયો અને તસવીરો પણ જાહેર કરી હતી.
બંગાળમાં મુર્શિદાબાદમાં હાલ અશાંતિનો માહોલ છે ત્યારે હવે વક્ફ સુધારાના વિરોધીઓ દ્વારા આસામને પણ બાનમાં લેવાનો પ્રયાસ થયો હતો, આસામમાં વિરોધ પ્રદર્શનો દરમિયાન પથ્થરમારો થયો હતો અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો. સિલચર જિલ્લાના બેરેંગા વિસ્તારમાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા. ૩૦૦થી ૪૦૦ લોકોએ આ વિસ્તારના રોડ બ્લોક કરી દીધા હતા. તેમને હટાવવા ગયેલી પોલીસ પર પથ્થમારો કરાતા સ્થિતિ કાબુ બહાર ગઇ હતી. જાેકે પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો.