Last Updated on by Sampurna Samachar
યુદ્ધ શરૂ થતા અમારા કન્ટેનરો ત્યાં જવાના બંધ થઈ ગયા
નાગપુરમાં કાર્યક્રમમાં કર્યો ખુલાસો
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા-ઈરાન વચ્ચે મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા વિવાદના કારણે ભારતીય વેપાર સહિત કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના પરિવારના બિઝનેસમા મોટું આર્થિક નુકસાન થયું હોવાના સમાચાર છે. બંને દેશો વચ્ચે તણાવના કારણે ગડકરીના પરિવારના સેંકડો કન્ટેનર રસ્તામાં ફસાઈ જતા કરોડોનું નુકસાન થઈ રહ્યું છે. આ વાતનો ખુલાસો ખુદ નિતીન ગડકરીએ કર્યો છે.

નાગપુરમાં એક કાર્યક્રમમાં ગડકરીએ યુદ્ધના કારણે તેમના પરિવાર કેવી સમસ્યાનો સામનો કરી રહ્યો છે, તેનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, ‘મારી કંપની સુગરમાંથી ડિટર્જન્ટ બનાવે છે અને તે કામ મારી વહુ જુએ છે. અમારા ડિટર્જન્ટના લગભગ ૧૦૦ કન્ટેનર દર મહિને અમેરિકામાં મોકલવામાં આવતા હતા, જોકે ત્યાં યુદ્ધ શરૂ થતા અમારા કન્ટેનરો ત્યાં જવાના બંધ થઈ ગયા છે.
બિઝનેસમાં નુકસાન છતાં ગડકરીએ પરિવારનું મનોબળ વધાર્યું
તેમણે કહ્યું કે, ‘મધ્ય-પૂર્વમાં સંકટના કારણે અમારો ધંધો ચોપટ થઈ ગયો છે. આ સંકટ છતા અમે હાર માની નથી. હવે તેમણે લોકલ માર્કેટમાં માલ-સામાન પહોંચાડવાની શરૂઆત કરી દીધી છે અને તે માટે ઘણો સંઘર્ષ પણ કરી રહ્યા છે.’
ગડકરીના પુત્રના આંતરરાષ્ટ્રીય વેપાર પર પણ યુદ્ધની ભારે અસર પડી છે. ગડકરીએ પુત્રના બિઝનેસ અંગે કહ્યું કે, ‘મારો પુત્ર ઈરાનમાં મોટો વેપાર કરે છે. આ વેપાર હેઠળ ભારતથી મોટાપ્રમાણમાં કેળાની ઈરાનમાં નિકાસ કરવામાં આવે છે, જ્યારે ઈરાનથી ભારતમાં સફરજ આયાત કરવામાં આવતા હતા. જ્યારથી બંને દેશો વચ્ચે વિવાદ શરૂ થયો છે, આખી સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે.
આ સંકટના કારણે રસ્તામાં ફસાયેલા ૪૦૦ કન્ટેનરના કેળા સડી ગયા છે અને ઈરાથી ભારત આવી રહેલા ૨૦૦ કન્ટેનરમાં સફરજ પણ ખરાબ થઈ ગયા છે. પરિવારના બિઝનેસને નુકસાન થયા બાદ ગડકરી ઈન્સ્યોરન્સ કંપનીઓના વલણથી નારાજ થયા છે.
તેમણે કહ્યું કે, આટલું મોટું નુકસાન છતાં ઈન્સ્યોરન્સવાળા પૈસા આપવામાં આનાકાની કરી રહ્યા છે. પરિવારના બિઝનેસમાં કરોડોનું નુકસાન થવા છતાં ગડકરીએ પરિવારનું મનોબળ વધાર્યું છે. તેમણે કહ્યું કે, પડકારો બિઝનેસનો એક ભાગ છે. વેપારની દુનિયામાં આવા પ્રકારના ઉતાર-ચઢાવ સતત આવતા રહે છે. તેથી આવા સંકટથી ગભરાવવાના બદલે સકારાત્મક વિચારો અને આર્ત્મનિભર સાથે આગળ વધતા રહેવું જોઈએ.