Last Updated on by Sampurna Samachar
સમગ્ર મામલો હવે CBI ને સોંપવામાં આવ્યો
ફરીથી જલ્દી પરીક્ષા યોજાશે , NTA DG એ કહ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ મોટો ર્નિણય લેતાં ૩ મેના રોજ યોજાયેલી NEET-UG ૨૦૨૬ પરીક્ષા પેપર લીકના આરોપોને કારણે રદ્દ કરી દીધી છે અને ફરીથી પરીક્ષા યોજવાની જાહેરાત કરી છે. NTA ના મહાનિર્દેશક અભિષેક સિંહે જણાવ્યું કે આ ર્નિણય વિદ્યાર્થીઓ, વાલીઓ અને ખુદ એજન્સી માટે ખૂબ જ મુશ્કેલ અને અપ્રિય છે, પરંતુ પરીક્ષાની પારદર્શિતા સાથે કોઈપણ પ્રકારનો સમાધાન શક્ય નથી.

અભિષેક સિંહે જણાવ્યું કે ૭ મેની રાત્રે કેટલાક વોટ્સએપ મેસેજ મળ્યા હતા, જેમાં NEET ના પ્રશ્નપત્ર જેવા પ્રશ્નો શેર કરવામાં આવ્યા હતા. આ મેસેજ તાત્કાલિક કાયદા અમલ એજન્સીઓને તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. પરીક્ષા દિવસે કોઈ ગેરરીતિની ફરિયાદ મળી નહોતી અને પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી, પરંતુ ગંભીર આરોપોને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરવામાં આવી.
ફી પણ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે
૮ અને ૯ મેના રોજ તપાસ એજન્સીઓએ આ મેસેજની તપાસ કરી અને ૧૦ તથા ૧૧ મે સુધીમાં કેટલાક આરોપ સાચા હોવાનું જણાયું. ત્યારબાદ NTA એ ર્નિણય લીધો કે જો પરીક્ષાની નિષ્પક્ષતા પર થોડો પણ શંકા ઉભો થાય તો પરીક્ષા રદ્દ કરવી યોગ્ય છે. સમગ્ર મામલો હવે CBI ને સોંપવામાં આવ્યો છે, જે તપાસ કરશે કે ગેરરીતિ એક રાજ્ય સુધી મર્યાદિત હતી કે અનેક રાજ્યોમાં ફેલાઈ હતી.
નાસિકની એક પ્રિન્ટિંગ પ્રેસના નામ અંગે પૂછાયેલા સવાલ પર NTA DG એ કહ્યું કે તપાસ પૂર્ણ થયા વગર કોઈ નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે એજન્સીએ અગાઉ પણ ૧૨૦ ટેલિગ્રામ ચેનલો બ્લોક કરી હતી અને પરીક્ષા દરમિયાન સતત નજર રાખવામાં આવી હતી.
NTA એ સ્પષ્ટ કર્યું છે કે ફરી યોજાનારી NEET-UG ૨૦૨૬ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ફરીથી રજિસ્ટ્રેશન કરવાની જરૂર નહીં પડે. અગાઉ ભરેલા ફોર્મ અને પસંદ કરેલા પરીક્ષા કેન્દ્ર જ માન્ય રહેશે. સાથે જ અગાઉ લેવામાં આવેલી ફી પણ વિદ્યાર્થીઓને પરત કરવામાં આવશે. એજન્સીએ કહ્યું કે આ ર્નિણયથી આર્થિક ભાર પડશે, પરંતુ હેતુ પારદર્શક અને ન્યાયસંગત પરીક્ષા પ્રક્રિયા જાળવવાનો છે.