Last Updated on by Sampurna Samachar
સચિનમાં ગેરકાયદેસર ગેસના બાટલા વેચવાનું કૌભાંડ ઝડપાયું.
રહેણાંક વિસ્તારની નજીક ખુલ્લા મેદાનમાં આ રીતે ગેસનું જોખમી વેચાણ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી રહ્યું હતું.
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસની ધોંસ છતાં કેટલાક તત્વો બેખોફ બની કૌભાંડ ચલાવીરહ્યા છે. સુરતના સચિન વિસ્તારમાં એક ખુલ્લા મેદાનમાં મોટા પાયે ગેસના બાટલાઓનું ગેરકાયદેસર વેચાણ થતું હોવાનું સામે આવ્યું છે. ચોક્કસ બાતમીના આધારે સચિન પોલીસે દરોડો પાડી ટેમ્પો સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને બે વ્યક્તિઓની અટકાયત કરી છે.

ઘટનાસ્થળે જોવા મળેલા દ્રશ્યો ચોંકાવનારા હતા. આકરા ઉનાળામાં કલાકો સુધી સેંકડો મજૂરો ૫ કિલોના ગેસના બાટલા લેવા માટે લાંબી કતારોમાં ઉભા જોવા મળ્યા હતા. આરોપ છે કે અહીં નિર્ધારિત કિંમત કરતાવધુ પૈસા વસૂલીને મજબૂર મજૂરોને ગેસના બાટલા પધરાવવામાં આવતા હતા. રહેણાંક વિસ્તારની નજીક ખુલ્લા મેદાનમાં આ રીતે ગેસનું જોખમી વેચાણ મોટી દુર્ઘટનાને નિમંત્રણ આપી રહ્યું હતું.
સચિન પોલીસ ઘટનાસ્થળે પહોંચતા જ અફરાતફરી મચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી ગેસના બાટલા ભરેલો ટેમ્પો જપ્ત કર્યો છે. આ મામલે બે લોકોની અટકાયત કરી તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા છે. જો કે, પોલીસની ગાડી જોઈને આ કૌભાંડમાં સામેલ અન્ય એક મુખ્ય વ્યક્તિ ત્યાંથી ફરાર થઈ જવામાંસફળ રહ્યો હતો. પોલીસ હાલ ફરાર આરોપીની શોધખોળ કરી રહી છે અને આ ગેરકાયદેસર ગેસ ક્યાંથીઆવતો હતો તે દિશામાં તપાસ તેજ કરી છે.