Last Updated on by Sampurna Samachar
તંત્ર કામદારોના હકો છીનવવા માટે કાયદાનો ભંગ કરે છે
અંદાજે ૧,૬૦૦ જેટલા કર્મચારીઓ કાયમી થવાને પાત્ર
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ(AMTS) માં વર્ષોથી સેવા આપતા કોન્ટ્રાક્ટ ડ્રાઈવરો અને કંડક્ટરોને કાયમી કરવાના ટ્રિબ્યુનલના આદેશ બાદ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી આડોડાઈ હવે હાઈકોર્ટના દ્વારે પહોંચી છે.

ગુજરાત મજૂર સભા દ્વારા એડવોકેટ અમરીશ પટેલ મારફતે દાખલ કરવામાં આવેલી સિવિલ એપ્લિકેશનમાં આરોપ લગાવાયો છે કે, તંત્ર કામદારોના હકો છીનવવા માટે કાયદાકીય પ્રક્રિયાનો ભંગ કરી રહ્યું છે.
૫૨૬ થી વધુ કર્મચારીઓ હજુ પણ કામથી વંચિત
કેસની વિગતો મુજબ, ઇન્ડસ્ટ્રિયલ ટ્રિબ્યુનલે ૯ માર્ચ ૨૦૧૮ના રોજ એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો, જેમાં ૫ વર્ષ અને ૯૦૦ દિવસ પૂરા કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી ગણી તેમને પાંચમા અને છઠ્ઠા પગાર પંચના લાભો આપવા આદેશ કર્યો હતો.
આ આદેશમાં સ્પષ્ટ જણાવાયું હતું કે, કોન્ટ્રાક્ટ આધારિત આર્ટિફિશિયલ બ્રેક આપવાની પ્રથા ગેરકાનૂની છે અને નિવૃત્તિની વય ૫૮ વર્ષ હોવી જોઈએ. જોકે, તંત્રએ આ આદેશનું પાલન કરવાને બદલે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરી હતી, પરંતુ હાઈકોર્ટે ટ્રિબ્યુનલના આદેશ પર કોઈ સ્ટે આપ્યો નથી. આમ છતાં, AMTS દ્વારા તાજેતરમાં ૩૦ માર્ચ ૨૦૨૬ના રોજ એક નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
આ ટેન્ડર દ્વારા કંડક્ટરોનું કામ આઉટસોર્સિંગ એજન્સીને સોંપવાની હિલચાલ ચાલી રહી છે. અરજદારનો દાવો છે કે, આ પગલું માત્ર કામદારોને કાયમી થતા રોકવા અને ટ્રિબ્યુનલના એવોર્ડને નિરર્થક બનાવવા માટે લેવામાં આવ્યું છે. એડવોકેટ અમરીશ પટેલે અરજદાર વતી જણાવ્યા મુજબ, ટ્રાન્સપોર્ટ સેવામાં ડ્રાઈવર અને કંડક્ટરની કામગીરી મૂળભૂત અને કાયમી સ્વરૂપની છે, જેનું આઉટસોર્સિંગ કરી શકાય નહીં.
પિટિશનમાં હાઈકોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે કે આ વિવાદાસ્પદ ટેન્ડર પ્રક્રિયાને તાત્કાલિક રદ કરવામાં આવે અને તેને ‘અનફેર લેબર પ્રેક્ટિસ‘ જાહેર કરવામાં આવે. આ ઉપરાંત, જે ૫૧૬ જેટલા કર્મચારીઓને કોઈ પણ કારણ વગર કામ પર લેવામાં આવતા નથી, તેમને તાત્કાલિક ફરજ પર પરત લેવા અને ત્રીજી પાર્ટીના અધિકારો ઊભા ન કરવા માટે તંત્ર પર રોક લગાવવાની દાદ માંગવામાં આવી છે.
પિટિશનમાં જણાવ્યા મુજબ, અંદાજે ૧,૬૦૦ જેટલા કર્મચારીઓ કાયમી થવાને પાત્ર છે, પરંતુ તંત્રએ માત્ર ૩૧ વ્યક્તિઓને જ કાયમી કર્યા છે. બીજી તરફ, હડતાળ બાદ મેયર અને અન્ય પદાધિકારીઓએ કર્મચારીઓને પરત લેવાની ખાતરી આપી હોવા છતાં ૫૨૬ થી વધુ કર્મચારીઓને હજુ પણ કામથી વંચિત રાખવામાં આવ્યા છે, જે સીધો કાયદાનો ઉલ્લંઘન હોવાનું જણાઈ રહ્યું છે.