Last Updated on by Sampurna Samachar
મમતા બેનરજી ભાષણ છોડી સ્ટેજ પરથી ઉતર્યા
મમતા બેનર્જી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીની રેલીઓ યોજાતા બંને પક્ષના કાર્યકરો સામસામે આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના માહોલ વચ્ચે ભવાનીપુરમાં શનિવારે ભારે તણાવ જોવા મળ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ ના સુપ્રીમો મમતા બેનર્જી અને ભાજપના નેતા શુભેન્દુ અધિકારીની રેલીઓ માત્ર ૧૦૦ મીટરના અંતરે યોજાતા બંને પક્ષના કાર્યકરો સામસામે આવી ગયા હતા. પરિસ્થિતિ એટલી હદ સુધી વણસી હતી કે સુરક્ષા દળોએ હસ્તક્ષેપ કરવો પડ્યો હતો.

મુખ્યમંત્રી મમતા બેનર્જી જ્યારે જનસભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે તેમણે ભાજપ પર તેમની સભામાં ખલેલ પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.
માત્ર ૧૦૦ મીટરના અંતરે TMC અને BJPની રેલી
મમતાએ કહ્યું કે, નજીકમાં યોજાઈ રહેલી શુભેન્દુ અધિકારીની રેલીમાં મોટા અવાજે લાઉડસ્પીકર વગાડીને જાણીજોઈને અડચણ ઊભી કરવામાં આવી રહી છે. આ વિક્ષેપથી નારાજ થઈને મમતા બેનર્જીએ અધવચ્ચે જ પોતાનું ભાષણ રોકી દીધું હતું અને ભીડની માફી માંગીને ત્યાંથી રવાના થઈ ગયા હતા.
મમતા બેનર્જીના ગયા બાદ ગુસ્સે ભરાયેલા TMC કાર્યકરોએ ભાજપની રેલી તરફ કૂચ કરી હતી. બંને તરફથી ઉગ્ર સૂત્રોચ્ચાર શરૂ થયા હતા અને જોતજોતામાં વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી. સુરક્ષા જવાનોએ તાત્કાલિક મોરચો સંભાળીને સ્થિતિને કાબૂમાં લીધી હતી.
શુભેન્દુ અધિકારીએ આ અંધાધૂંધી માટે મમતા બેનર્જીને જવાબદાર ઠેરવતા કહ્યું કે, ભાજપ આ ગુંડારાજનો જડબાતોડ જવાબ આપશે. બીજી તરફ, ભાજપ નેતા અમિત માલવિયાએ આ ઘટનાનો વીડિયો શેર કરતા કટાક્ષ કર્યો કે હારના ડરથી મમતા બેનર્જી પોતાનો સંયમ ગુમાવી રહ્યા છે.
ભવાનીપુર મમતા બેનર્જીનો ગઢ માનવામાં આવે છે, જ્યાંથી તેઓ ૨૦૧૧થી સતત ત્રણ વખત જીત્યા છે. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કાનું મતદાન ૨૩ એપ્રિલે ૧૫૨ બેઠકો પર પૂર્ણ થયું છે. હવે ૨૯ એપ્રિલે ભવાનીપુર સહિત ૧૪૧ બેઠકો પર મતદાન થશે, જ્યારે મતોની ગણતરી ૪ મેના રોજ હાથ ધરવામાં આવશે.