Last Updated on by Sampurna Samachar
રામ મંદિર ટ્રસ્ટે સરકારને ૪૦૦ કરોડનો ટેક્સ ચૂકવ્યો
મહાકુંભ દરમિયાન કરોડો શ્રધ્ધાળુઓએ કર્યા દર્શન
(સંપૂર્ણ સમાચાર સેવા)
અયોધ્યા ભગવાન રામના મંદિરના નિર્માણ બાદ દિવસે ને દિવસે શ્રધ્ધાળુઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે સરકારની આવકમાં વધારો જોવા મળ્યો છે. જેના અંગે માહિતી જાહેર કરવામાં આવી છે. જેમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે, છેલ્લા પાંચ વર્ષમાં સરકારને અંદાજે ૪૦૦ કરોડ રૂપિયા ટેક્સ તરીકે ચૂકવ્યા છે. ટ્રસ્ટના સચિવ સંપત રાયે આ માહિતી આપી હતી.
અયોધ્યામાં ધાર્મિક પર્યટનમાં થયેલા વધારા વચ્ચે આ ચુકવણી કરવામાં આવી છે. મળતા અહેવાલ મુજબ, સંપત રાયે કહ્યું કે, આ રકમ ૫ ફેબ્રુઆરી, ૨૦૨૦ અને ૫ ફેબ્રુઆરી, ૨૦૨૫ વચ્ચે જમા કરવામાં આવી હતી. તેમાંથી રૂ. ૨૭૦ કરોડ GST તરીકે ચૂકવવામાં આવ્યા હતા, જ્યારે બાકીના રૂ. ૧૩૦ કરોડ અન્ય ટેક્સ કેટેગરીમાં જમા કરવામાં આવ્યા હતા.
સ્થાનિક લોકો માટે રોજગારી પૂરી પાડી રહ્યુ છે
ઉલ્લેખનીય છે કે રામ મંદિરના નિર્માણ સાથે અયોધ્યા (AYODHYA) માં શ્રદ્ધાળુઓ અને તીર્થયાત્રીઓની સંખ્યામાં દસ ગણો વધારો થયો છે, જે તેને એક મુખ્ય ધાર્મિક પર્યટન કેન્દ્ર બનાવે છે. સંપત રાયનું કહેવું છે કે રામ મંદિરના નિર્માણથી સ્થાનિક લોકો માટે રોજગારની નવી તકો ઊભી થઈ છે. તેમણે કહ્યું કે મહાકુંભ દરમિયાન ૧.૨૬ કરોડ શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચ્યા હતા. જ્યારે ગયા વર્ષે ૧૬ કરોડથી વધુ પ્રવાસીઓ અયોધ્યા આવ્યા હતા, જેમાંથી ૫ કરોડે શ્રી રામ મંદિરની મુલાકાત લીધી હતી.
સંપત રાયે જણાવ્યું હતું કે ટ્રસ્ટના નાણાકીય રેકોર્ડનું નિયમિતપણે કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) ના અધિકારીઓ દ્વારા ઓડિટ કરવામાં આવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહાકુંભ દરમિયાન સંગમમાં ડૂબકી લગાવ્યા બાદ મોટાભાગના ભક્તો ભગવાન રામના દર્શન કરવા અયોધ્યા આવી આવ્યા હતા. આવી સ્થિતિમાં અયોધ્યામાં વધુ ભીડ જોવા મળી હતી. આ કારણે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ સંપત રાયે સ્થાનિક શ્રદ્ધાળુઓને ૧૫ દિવસ પછી અયોધ્યા આવવાની સલાહ આપી હતી.