Last Updated on by Sampurna Samachar
મહારાજજી છેલ્લા ૨૧ વર્ષથી કિડની સંબંધિત બીમારીથી પીડિત
આશ્રમ વહીવટીતંત્ર એ કરી હતી જાહેરાત
(સંપૂર્ણ સમાચાર સેવા)
વૃંદાવનના જાણીતા સંત પ્રેમાનંદ મહારાજની તબિયત લથડી હોવાની માહિતી મળી હતી. જ્યાં હાલમાં તેમની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. પ્રેમાનંદ મહારાજની નાદુરસ્ત તબિયતને કારણે તેમની રાત્રિ પદયાત્રા અનિશ્ચિતકાળ સુધી બંધ કરવામાં આવી છે. વધુમાં તેમના એકાંતિક દર્શન પણ હાલ પૂરતા સ્થગિત કરવામાં આવ્યા છે. આશ્રમ વહીવટીતંત્રની આ જાહેરાત બાદ ભક્તો ચિંતિત જોવા મળ્યા હતા.

તાજતેરમાં આશ્રમના શિષ્યો તેમની જગ્યાએ આવ્યા હતા અને લાઉડસ્પીકરથી ભક્તોને જાણ કરી કે મહારાજજી બીમાર છે અને પદયાત્રા રદ કરવામાં આવી છે. ભક્તોને ભીડ ન કરવા પણ અપીલ કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ હજારો ભક્તોને દર્શન કર્યા વિના પાછા ફરવાની ફરજ પડી હતી.
તહેવારોમાં ભક્તોની સંખ્યા લાખોમાં પહોંચે છે
કાલી કુંજ આશ્રમ વહીવટીતંત્રે જણાવ્યું હતું કે પ્રેમાનંદ મહારાજ છેલ્લા ૨૧ વર્ષથી કિડની સંબંધિત બીમારીથી પીડાઈ રહ્યા છે. તેમની બગડતી તબિયતને કારણે ડોકટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. ત્યારે ભક્તો પણ રાધા રાણીને પ્રેમાનંદ મહારાજના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પ્રેમાનંદ મહારાજ દરરોજ રાત્રે ૩:૦૦ વાગ્યે કાલી કુંજ આશ્રમથી સૌભારી વન સુધી પગપાળા યાત્રા કરતા હતા. તેઓ લગભગ દોઢ કિલોમીટરનું અંતર ચાલીને જતા હતા. દરરોજ રાત્રે હજારો ભક્તો તેમની શોભાયાત્રા જોવા અને તેમના દર્શન માટે આવે છે. સામાન્ય દિવસોમાં, આશરે ૨૦,૦૦૦ ભક્તો દર્શન માટે આવે છે, જ્યારે વીક એન્ડ અને ખાસ તહેવારોના પ્રસંગોએ આ સંખ્યા લાખોમાં પહોંચી જાય છે.