Last Updated on by Sampurna Samachar
કોંગ્રેસ સહિત ૭૩ સાંસદોએ રાષ્ટ્રપતિને એક પત્ર લખ્યો
સાંસદોએ રાષ્ટ્રપતિને સંબોધિત એક પત્રમાં મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ૭૩ વિપક્ષી સાંસદોએ રાજ્યસભામાં મહાભિયોગ ચલાવવાની પ્રક્રિયા શરૂ કરવા માટે રાષ્ટ્રપતિને એક નોટિસ સોંપી છે. કોંગ્રેસના સંચાર પ્રભારી જયરામ રમેશે આ જાણકારી આપતા જણાવ્યું કે, સાંસદોએ રાષ્ટ્રપતિને સંબોધિત એક પત્રમાં મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી હટાવવાની માંગ કરી છે.

સાંસદો દ્વારા સોંપવામાં આવેલી નોટિસમાં મુખ્ય ચૂંટણી કમિશનર પર સાબિત થયેલ ગેરવર્તણૂકનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ ગેરવર્તણૂક ૧૫ માર્ચ ૨૦૨૬ કે તેના પછી કરવામાં આવેલા કાર્યો અને ચૂક સાથે સંબંધિત છે. આ આરોપને ભારતીય બંધારણની કલમ ૩૨૪ (૫) ની સાથે કલમ ૧૨૪ (૪) હેઠળ, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર અધિનિયમ, ૨૦૨૩ની કલમ ૧૧ (૨) અને ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ, ૧૯૬૮ હેઠળ વર્ણવવામાં આવ્યો છે.
બે-તૃતીયાંશ બહુમતીનું સમર્થન હોય
જયરામ રમેશના જણાવ્યા મુજબ મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ નવ વિશિષ્ટ આરોપો છે, જે વિગતવાર દસ્તાવેજીકૃત કરવામાં આવ્યા છે અને જેને નકારી કે છુપાવી શકાતા નથી. તેમણે કહ્યું કે મુખ્ય ચૂંટણી કમિશનરનું પદ પર ટકી રહેવું એ બંધારણ પર હુમલો છે અને તે અત્યંત શરમજનક છે કે તેઓ વડાપ્રધાન અને ગૃહમંત્રીના ઇશારે કામ કરી રહ્યા છે.
ભારતીય બંધારણની કલમ ૩૨૪(૫) મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનરને માત્ર સાબિત થયેલ ગેરવર્તણૂક અથવા અક્ષમતાના આધારે જ રાષ્ટ્રપતિના આદેશથી હટાવી શકાય છે. આ માટે સંસદના બંને ગૃહો, એટલે કે લોકસભા અને રાજ્યસભા દ્વારા એક જ સત્રમાં એ પ્રસ્તાવનું સમર્થન કરવું આવશ્યક છે, જેમાં કુલ સભ્યોની બહુમતી અને હાજર રહી મતદાન કરનારા સભ્યોના ઓછામાં ઓછા બે-તૃતીયાંશ બહુમતીનું સમર્થન હોય.
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનર (નિમણૂક, સેવાની શરતો અને કાર્યકાળ) અધિનિયમ, ૨૦૨૩ અને ન્યાયાધીશ (તપાસ) અધિનિયમ, ૧૯૬૮, આ પ્રક્રિયા માટે વિગતવાર નિયમો અને પ્રક્રિયાઓ નિર્ધારિત કરે છે. આ પ્રક્રિયાઓમાં આરોપોની તપાસ, સાક્ષીઓના નિવેદનો અને બચાવની તક સામેલ હોય છે. બીજી તરફ, કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે ચૂંટણી પંચ પર ભાજપના એક વિભાગની જેમ કામ કરવાનો આરોપ લગાવ્યો.
તેમણે કહ્યું કે ચૂંટણી પંચે પાર્ટી પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેને વડાપ્રધાન વિરુદ્ધ તેમની ટિપ્પણીઓ પર તરત જ નોટિસ જાહેર કરી દીધી, જ્યારે નરેન્દ્ર મોદીના હાલના જાહેર ભાષણ પર કોઈ કાર્યવાહી કરી નથી. વેણુગોપાલે દાવો કર્યો કે સંસદમાં મહિલા અનામત અને સીમાંકન સંબંધિત બિલો પસાર ન થયા પછી વડાપ્રધાનનું તાજેતરનું જાહેર ભાષણ ચૂંટણી નિયમો અને આદર્શ આચારસંહિતાનું સ્પષ્ટ ઉલ્લંઘન હતું. જાે કે તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસ સહિત વિપક્ષી દળોની ફરિયાદો છતાં ચૂંટણી પંચે આ મામલે કોઈ કાર્યવાહી કરી નથી.
તેમણે કહ્યું, પરંતુ કોંગ્રેસ પ્રમુખને એક બિન-મુદ્દા પર ૨૪ કલાકની અંદર નોટિસ જાહેર કરી દેવામાં આવી, જ્યારે તેમણે આ અંગે સ્પષ્ટતા પણ આપી હતી. તેમને નોટિસનો જવાબ આપવા માટે માત્ર ૨૪ કલાકનો સમય આપવામાં આવ્યો. તેથી, વડાપ્રધાનને કંઈ પણ કહેવાની અને કોઈપણ ચૂંટણી નિયમનું ઉલ્લંઘન કરવાની સંપૂર્ણ છૂટ મળેલી છે. ચૂંટણી પંચ હવે ભાજપનો એક વિભાગ બની ગયું છે.વિપક્ષી દળોએ સતત ચૂંટણી પંચની નિષ્પક્ષતા પર સવાલ ઉઠાવ્યા છે, ખાસ કરીને હાલના વર્ષોમાં.
તેમનો આરોપ છે કે ચૂંટણી પંચ શાસક પક્ષના પક્ષમાં કામ કરી રહ્યું છે અને મહત્વપૂર્ણ ર્નિણયોમાં પારદર્શિતાનો અભાવ છે. મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગની માંગ આ ચિંતાનું એક મોટું પ્રગટીકરણ છે. રાષ્ટ્રપતિને સોંપવામાં આવેલી આ નોટિસ પછી, એ જોવું મહત્વપૂર્ણ રહેશે કે રાષ્ટ્રપતિ તેના પર શું કાર્યવાહી કરે છે.
જો રાષ્ટ્રપતિ આ નોટિસ સ્વીકારે છે, તો સંસદમાં મહાભિયોગની પ્રક્રિયા શરૂ થઈ શકે છે. આ પ્રક્રિયા દેશની રાજકીય અને બંધારણીય વ્યવસ્થા માટે એક મહત્વપૂર્ણ વળાંક સાબિત થઈ શકે છે. આ ઘટનાક્રમ પર દેશભરની નજર ટકેલી છે, કારણ કે તે ભારતમાં ચૂંટણી લોકશાહીના ભવિષ્યને અસર કરી શકે છે.