Last Updated on by Sampurna Samachar
વેરાવળ પોલીસે ૭૬ લાખની ઠગાઈનો પર્દાફાશ કર્યો
આરોપી આરીફ અગાઉ મુંબઈની જેલમાં બંધ હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગીર સોમનાથ જિલ્લામાં અંધશ્રદ્ધાનો સહારો લઈને લોકોને ઉલ્લુ બનાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ મામલે વેરાવળ પોલીસે ગેંગનો પર્દાફાશ કર્યો છે. જ્યાં જમીનમાંથી હીરા-માણેક અને સોનું કાઢી આપવાની લાલચ આપી એક મહિલા પાસેથી રૂ. ૭૬.૬૫ લાખ પડાવનાર મુખ્ય આરોપીને પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો છે.

વાત કરીએ તો વેરાવળની એક મહિલાને આરોપીઓએ પોતાની જાળમાં ફસાવી હતી. આરોપીઓએ મહિલાને વિશ્વાસમાં લીધી હતી કે તેમની પાસે એવી તાંત્રિક શક્તિઓ છે જેના દ્વારા તેઓ મસાણમાંથી ખજાનો અને જમીનમાંથી કિંમતી હીરા-માણેક કાઢી શકે છે. આ લાલચમાં આવી ગયેલી મહિલાએ સમયાંતરે સોના-ચાંદીના દાગીના અને મોટી માત્રામાં રોકડ રકમ આરોપીઓને સોંપી દીધી હતી.
અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા
આ કેસનો મુખ્ય આરોપી આરીફ ઉર્ફે ભૂરો વરિયાળી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે આરોપી આરીફ અગાઉ મુંબઈની જેલમાં બંધ હતો. વેરાવળ પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી મુંબઈ જેલમાંથી તેનો કબજો મેળવી તેની વિધિવત ધરપકડ કરી છે.
વેરાવળ સીટી પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરતા અદાલતે તેના ૮ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ હવે નીચેના મુદ્દાઓ પર તપાસ કેન્દ્રિત કરી રહી છે. ઠગાઈમાં સામેલ કથિત ‘અઘોરી બાબા‘ની શોધખોળ. પડાવેલું સોનું અને રોકડ રકમ ક્યાં છુપાવી છે તેની વસૂલાત.
આ ટોળકીએ અન્ય કોઈ વ્યક્તિઓને આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ? કોઈપણ વ્યક્તિએ આવી અંધશ્રદ્ધા કે જમીનમાંથી ધન કાઢવાની લાલચ આપતા તાંત્રિકોની વાતોમાં આવવું નહીં. જો કોઈ આવી છેતરપિંડીનો ભોગ બન્યું હોય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો. હાલમાં વેરાવળ પોલીસ આરીફની ‘આગવી ઢબે‘ પૂછપરછ કરી રહી છે, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે.