Last Updated on by Sampurna Samachar
મુંબઈ પોતાની દૈનિક પાણી જરૂરિયાત માટે સાત તળાવો પર ર્નિભર
મુંબઈ પર પાણીનું ગંભીર સંકટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સમગ્ર દેશમાં ગરમીનો પારો વધી રહ્યો છે. ત્યારે ગરમી વચ્ચે હવે મુંબઈ પર પાણીનું ગંભીર સંકટ તોળાઇ રહ્યુ છે. શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં પાણીનું સ્તર ઝડપથી ઘટતા અને નબળા ચોમાસાની આગાહીને ધ્યાનમાં રાખીને સરકાર અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનએ મોટો ર્નિણય લીધો છે. જેમાં હવે ૧૫ મે ના રોજથી સમગ્ર મુંબઈમાં ૧૦ ટકા પાણી કાપ અમલમાં મુકવામાં આવશે.

BMC દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ ૧૧ મે સુધી શહેરને પાણી પૂરું પાડતા જળાશયોમાં કુલ ૩,૪૦,૩૯૯ મિલિયન લીટર પાણી ઉપલબ્ધ હતું. જ્યારે આ જળાશયોની કુલ ક્ષમતા ૧૪,૪૭,૩૬૩ મિલિયન લીટર છે. હાલમાં માત્ર ૨૩.૫૨ ટકા ઉપયોગલાયક પાણી જ બચ્યું છે. વધતી ગરમી અને પાણીના વધતા વપરાશને ધ્યાનમાં રાખીને પાણીનો જથ્થો લાંબા સમય સુધી ટકી રહે તે માટે આ ર્નિણય લેવાયો છે.
લોકોને પાણી બચાવવા માટે BMC ની ખાસ અપીલ
મુંબઈને પાણી પૂરું પાડતા જળાશયોમાં ઘટાડો થતાં BMC એ ૧૫ મેથી શહેરભરમાં ૧૦ ટકા પાણી કપાત લાગુ કરવાનો ર્નિણય લીધો છે. આ પગલાનો હેતુ ઉપલબ્ધ પાણીનો વધુ સમય સુધી ઉપયોગ થઈ શકે અને લોકોને પાણીની ગંભીર તંગીનો સામનો ન કરવો પડે તે છે. BMC અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતીય હવામાન વિભાગ દ્વારા અલ નીનોના કારણે નબળા ચોમાસાની આગાહી કરવામાં આવી છે. તેથી ૩૧ ઓગસ્ટ સુધી પૂરતું પાણી જળવાઈ રહે તે માટે પાણી કપાતનો ર્નિણય લેવામાં આવ્યો છે.
અધિકારીઓએ લોકોને પાણીનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવાની અને બગાડ ટાળવાની અપીલ કરી છે.મુંબઈ પોતાની દૈનિક પાણી જરૂરિયાત માટે સાત તળાવો પર ર્નિભર છે — અપ્પર વૈતરણા, મિડલ વૈતરણા, મોદક સાગર, તાનસા, ભાતસા, વિહાર અને તુલસી.
BMC અનુસાર, ભાતસા ડેમમાંથી વધારાના ૧,૪૭,૦૯૨ મિલિયન લીટર અને અપ્પર વૈતરણામાંથી ૯૦,૦૦૦ મિલિયન લીટર પાણીનો જથ્થો મળશે. છતાં વધતા તાપમાન અને બાષ્પીભવનને કારણે પાણીનો જથ્થો વધુ ઝડપથી ઘટી રહ્યો છે. મુંબઈ સિવાય થાણે, ભિવંડી-નિઝામપુર મહાનગરપાલિકા અને આસપાસના ગામોમાં પણ ૧૫ મેથી ૧૦ ટકા પાણી કપાત અમલમાં રહેશે.
પૂરતા પ્રમાણમાં વરસાદ અને જળાશયોમાં પાણીનો જથ્થો ફરી સામાન્ય સ્તરે ન પહોંચે ત્યાં સુધી આ વ્યવસ્થા ચાલુ રહેશે. BMC એ લોકોને પાણી બચાવવા માટે ખાસ અપીલ કરી છે. ન્હાવા માટે શાવરની જગ્યાએ ડોલનો ઉપયોગ કરવો, બ્રશ કરતી વખતે નળ બંધ રાખવો, વાસણ ધોવા માટે પાઈપની જગ્યાએ ભીનું કપડું વાપરવું અને પાણી બચત કરનારા નોઝલનો ઉપયોગ કરવો જેવી સલાહ આપવામાં આવી છે.