Last Updated on by Sampurna Samachar
અમદાવાદમાં ૨૭૪ ઈમારતો ‘ખતરનાક‘ જાહેર
સરકારી, ખાનગી અને ધાર્મિક ટ્રસ્ટની માલિકીની ઇમારતોનો સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં આગામી અષાઢી બીજની રથયાત્રા અને ચોમાસાના આગમન પૂર્વે જનહિત અને સલામતીને ધ્યાને રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કવાયત તેજ કરવામાં આવી છે. AMC દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૭૪ ઇમારતો અત્યંત ભયજનક અને જર્જરિત હાલતમાં મળી આવી છે. તંત્ર દ્વારા મકાનમાલિકોને નોટિસ ફટકારીને જોખમી ભાગો તાત્કાલિક દૂર કરવા તાકીદ કરવામાં આવી છે.

AMC ના જણાવ્યા અનુસાર, મધ્ય ઝોનમાં હાથ ધરાયેલા સર્વેમાં ૨૭૪ મિલકતો જોખમી હોવાનું બહાર આવ્યું છે. આ મિલકતોમાં સરકારી, ખાનગી અને ધાર્મિક ટ્રસ્ટની માલિકીની ઇમારતોનો સમાવેશ થાય છે. રથયાત્રા જે રૂટ પરથી પસાર થવાની છે તેવા ખાડિયા જેવા ગીચ વિસ્તારોમાં પણ ખાસ તપાસ કરીને નોટિસો આપવામાં આવી છે, જેથી યાત્રા દરમિયાન કોઈ દુર્ઘટના ન સર્જાય.
મિલકત ધારકોને ઇમારતના જોખમી ભાગો ઉતારી લેવા સૂચના
મ્યુનિસિપલ કોર્પોરેશનના ટેક્સ વિભાગ દ્વારા ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ ૨૬૪ હેઠળ નોટિસો બજાવવામાં આવી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો કોઈ જર્જરિત ઇમારત ધસી પડવાને કારણે જાન-માલનું નુકસાન થશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મિલકતના માલિક કે કબજેદારની રહેશે.
તંત્રના આંકડા મુજબ, વર્ષ ૨૦૨૩થી ૨૦૨૫ દરમિયાન કુલ ૧૨૫૧ ભયજનક મિલકતોને નોટિસ આપવામાં આવી હતી. ચાલુ વર્ષે ૨૦૨૬માં ૨૭૪ નવી મિલકતોનો ઉમેરો થતાં કુલ આંકડો ૧૫૨૫ પર પહોંચ્યો છે. કોર્પોરેશને મિલકત ધારકોને તાત્કાલિક મરામત કરાવવા અથવા જોખમી ભાગો જાતે જ ઉતારી લેવા કડક સૂચના આપી છે.
તંત્ર દ્વારા જાહેર જનતાને પણ અપીલ કરવામાં આવી છે કે ભયજનક જાહેર કરાયેલી ઇમારતોમાં રહેવાનું કે પ્રવેશવાનું ટાળવું. ખાસ કરીને રથયાત્રા દરમિયાન દર્શનાર્થીઓએ જૂના મકાનોના જોખમી ગેલેરી કે છત પર ઉભા ન રહેવું જોઈએ. ચોમાસા દરમિયાન પણ આસપાસના રહીશોને સતર્ક રહેવા અને કોઈ પણ અઘટિત ઘટનાની જાણ તાત્કાલિક તંત્રને કરવા જણાવાયું છે