Last Updated on by Sampurna Samachar
સલમાન ખાને બિશ્નોઇ ગેંગની ધમકી અંગે વાતચીત કરતાં કહ્યું
અભિનેતાનો વર્ષો પહેલાનો કાળા હરણના કેસ મામલે મળી રહી છે ધમકી
(સંપૂર્ણ સમાચાર સેવા)
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની ફિલ્મ સિકંદર રીલિઝ થવા જઇ રહી છે. આ ફિલ્મનું નિર્દેશન એઆર મુરુગાદોસ દ્વારા કરવામાં આવ્યું છે અને સાજિદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કર્યું છે. ફિલ્મમાં રશ્મિકા મંદાના સલમાન ખાન સાથે સ્ક્રીન પર રોમાન્સ કરતી જોવા મળશે. એવામાં હવે સિકંદરની રિલીઝ પહેલા, સલમાન (SALMAN) ખાને લૉરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી મળતી ધમકીઓ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.
સલમાન ખાન છેલ્લા કેટલાક દિવસોથી પોતાની આગામી ફિલ્મ સિકંદરના પ્રમોશનમાં વ્યસ્ત છે. પ્રમોશનની ધમાલ વચ્ચે, સુપરસ્ટારે મુંબઈમાં મીડિયા સાથે ખુલીને વાત કરી હતી. છેલ્લા કેટલાક મહિનામાં સલમાનને લૉરેન્સ બિશ્નોઈની ગેંગ તરફથી ઘણી ધમકીઓ મળી છે. ઑક્ટોબર ૨૦૨૪માં, સલમાન ખાનના નજીકના મિત્ર અને NCP નેતા બાબા સિદ્દીકીને કથિત રીતે બિશ્નોઈ ગેંગ દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. તેમ છતાં સલમાન ખાને પોતાનું કામ ચાલુ જ રહ્યું હતું.
સલમાન ખાનનો પરિવાર અને મિત્રોમાં ચિંતા
એવામાં જ્યારે સલમાનને પૂછવામાં આવ્યું કે શું તે પોતાની સુરક્ષાને લઈને ચિંતિત છે, તો સલમાને આકાશ તરફ ઈશારો કરીને કહ્યું, ભગવાન, અલ્લાહ બધા ઉપર છે. જેટલી ઉંમર લખી છે, એટલી લખી છે. બસ આ જ છે. ક્યારેક ક્યારેક આટલા બધા લોકોને સાથે રાખીને જવું પડે છે બસ આ જ સમસ્યા છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષમાં સલમાન ખાન અને તેના પરિવાર અને મિત્રો પર લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો ખતરો મંડરાઈ રહ્યો છે. આ પહેલા સલીમ ખાનને મોર્નિંગ વોક દરમિયાન ધમકીભર્યો પત્ર મળ્યો હતો. ત્યારબાદ સલમાનના ઘર અને ફાર્મ હાઉસની રેકી કરવામાં આવી હતી અને સલમાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
આ ઘટનાઓથી સુપરસ્ટારનો પરિવાર ડરી ગયો છે. અભિનેતાએ હમ સાથ સાથ હૈના શૂટિંગ દરમિયાન કથિત રીતે એક કાળા હરણને મારી નાખ્યું હતું. જેના કારણે કાળા હરણને માન આપતો બિશ્નોઈ સમુદાય આ ઘટનાથી ખૂબ જ દુ:ખી થયો હતો. આ કારણે જ તે સલમાન ખાનને વારંવાર ધમકી આપે છે.