Last Updated on by Sampurna Samachar
આઇસર ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત
સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
લખતર-વિરમગામ હાઇવે પર આવેલા પ્રસિદ્ધ કેથળા હનુમાનજી મંદિર પાસે આઇસર ટ્રક અને પીકઅપ વાન વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પીકઅપ ચાલકને ગંભીર શારીરિક ઈજાઓ પહોંચતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો .

પ્રાપ્ત વિગતો અનુસાર, સુરેન્દ્રનગરથી વિજય રાજુભાઈ અઘારા નામના ચાલક સિમેન્ટની થેલીઓ ભરીને આઇસર ટ્રક લઈને વિઠલગઢ ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઇવે પર ટ્રકનું ટાયર પંચર પડતા ડ્રાઇવરે રોડની સાઈડમાં વાહન ઊભું રાખ્યું હતું અને ટાયર બદલી રહ્યા હતા. તે જ સમયે ચોટીલાથી કેરીની પેટીઓ ભરીને પૂર ઝડપે વિરમગામ તરફ જઈ રહેલી પીકઅપ વાનના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા તે આઇસરની પાછળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માતમાં ચાલકનો કાન કપાઇ ગયો
આ અકસ્માત એટલો જોરદાર હતો કે પીકઅપના આગળના ભાગનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. પીકઅપ ચાલક સંજયભાઈ માનસંગભાઈ મલેકિયાને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને અકસ્માતમાં તેમનો કાન કપાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ ૧૦૮ એમ્બ્યુલન્સ અને ૧૧૨ ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.