Last Updated on by Sampurna Samachar
હૃદયરોગની સારવાર માટે જમીન વેચવાનો નિર્ણય લીધો હતો
ચેક બાઉન્સ થતાં મેઘપરના આરોપી સામે ફરિયાદ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જામનગરના જામજોધપુર તાલુકામાં જમીન સોદા સંબંધિત છેતરપીંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક નિવૃત્ત વ્યક્તિ પાસેથી લાખો રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. ફરિયાદી સુભાષભાઈ વિરજીભાઈ વિરમગામા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

જ્યાં પોલીસ ફરિયાદ મુજબ, તેઓ પાસે ગીંગણી ગામે સર્વે નં. ૨૦૧ અને ૨૩૦ની આશરે ૨૯ વીધા ખેતીની જમીન હતી. હૃદયરોગની સારવાર માટે પૈસાની જરૂર પડતાં તેમણે જમીન વેચવાનો ર્નિણય લીધો હતો.
રૂ. ૯,૭૪,૦૦૦ ની છેતરપીંડી અને ધમકીના પ્રયાસની ફરિયાદ
આ દરમિયાન ભાવેશભાઈ કલોલા મારફતે લખમણભાઈ નાથાભાઈ કદાવલા સાથે જમીન સોદો નક્કી થયો હતો. શરૂઆતમાં રૂ.૫,૦૦,૦૦૦ મેળવ્યા બાદ જમીન માપણીમાં ફેરફાર થતાં કુલ રકમમાં ઘટાડો થયો હતો. બાદમાં તા. ૦૮/૦૪/૨૦૨૫ ના રોજ વેચાણ દસ્તાવેજ સમયે આરોપી દ્વારા કુલ રકમમાંથી બાકી રૂ.૧૬,૮૬,૦૦૦ આપવા માટે ત્રણ ચેક આપવામાં આવ્યા હતા.
જેમાંના બે ચેક રૂ.૮,૪૩,૦૦૦-૮,૪૩,૦૦૦ ના હતા અને ત્રીજો ચેક રૂ.૯,૭૪,૦૦૦ નો હતો. ફરિયાદી દ્વારા તા.૧૧/૦૪/૨૦૨૫ ના રોજ ચેક બેંકમાં રજૂ કરતા, ખાતામાં પૂરતા નાણા ન હોવાને કારણે ચેક બાઉન્સ થયો હતો. વધુમાં તપાસમાં જાણવા મળ્યું કે સંબંધિત ખાતું લાંબા સમયથી કે.વાય.સી. ન હોવાને કારણે બંધ હતું.
ફરિયાદી દ્વારા આરોપીનો સંપર્ક કરતાં આરોપી વારંવાર બહાના બનાવી સમય પસાર કરતો રહ્યો હતો. ત્યારબાદ રૂપિયા માંગવા ગયેલી ફરિયાદીની પત્ની અને પાડોશી મહિલાઓ સાથે આરોપીએ ગાળો બોલી મારામારી કરવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવ અંગે ફરિયાદી સુભાષભાઈએ લખમણભાઈ કદાવલા વિરુદ્ધ રૂ. ૯,૭૪,૦૦૦ ની છેતરપીંડી તેમજ ધમકી અને મારામારી કરવાનો પ્રયાસ અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.