Last Updated on by Sampurna Samachar
લખનઉમાં રાજનાથ સિંહનો કોંગ્રેસ પર આકરો પ્રહાર
જનસંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રક્ષા મંત્રી રાજનાથ સિંહ પોતાના સંસદીય ક્ષેત્ર લખનઉના પ્રવાસે હતા. ત્યાં તેમણે રાય ઉમાનાથ બલી પ્રેક્ષાગૃહમાં આયોજિત પ્રબુદ્ધ જનસંવાદ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. જ્યાં તેમણે મોંઘવારી અને ગરીબીને લઈ મહત્વનું નિવેદન આપ્યું હતું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું છે કે, કોંગ્રેસ શાસન દરમિયાન મોંઘવારી દર ૧૨ ટકા સુધી પહોંચી ગયો હતો, જ્યારે કેન્દ્ર સરકારની નીતિઓ અને યોજનાઓના કારણે છેલ્લા નવ વર્ષમાં ૨૫ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.

તેમણે લખનઉના વિકાસમાં જનભાગીદારી પર ભાર મૂક્યો અને MSME ઉદ્યોગસાહસિકોની સમસ્યાઓના ઉકેલનું આશ્વાસન આપ્યું હતું. રક્ષા મંત્રીએ કહ્યું કે, વિકાસ ત્યારે જ અસરકારક બને છે, જ્યારે તેમાં જનપ્રતિનિધિઓ અને નાગરિકોની સક્રિય ભાગીદારી હોય છે.
લખનઉ દેશના અગ્રણી વિકસિત શહેરોમાં સામેલ થયું
રાજનાથ સિંહે જણાવ્યું હતું કે, જનતાના સૂચનો અને સમસ્યાઓ વિકાસ કાર્યોની દિશા નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર લખનઉના સર્વાંગી વિકાસ માટે સતત સમન્વય સાથે કામ કરી રહી છે.
મોંઘવારીના મુદ્દે રાજનાથ સિંહે કહ્યું કે, આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિઓની પણ કિંમતો પર અસર પડે છે. તેમણે ઈરાન-અમેરિકા વચ્ચેના તણાવનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આવા ઘટનાક્રમોની અસર વૈશ્વિક અર્થતંત્ર પર પડે છે. આ બધું હોવા છતાં સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના હિતોને ધ્યાનમાં રાખીને ઘણી યોજનાઓ લાગુ કરી છે.
રક્ષા મંત્રીએ વધુમાં કહ્યું હતું કે, આજે લખનઉ દેશના અગ્રણી વિકસિત શહેરોમાં સામેલ થઈ ચૂક્યું છે અને અહીં પાયાની સુવિધાઓનો ઝડપથી વિસ્તાર થઈ રહ્યો છે. તેમણે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કરીને તેમના સૂચનો પણ સાંભળ્યા હતા. કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠકે જણાવ્યું કે, રાજનાથ સિંહના નેતૃત્વમાં લખનઉ સતત વિકાસની નવી ઊંચાઈઓને આંબી રહ્યું છે.
સરોજિની નગર ઔદ્યોગિક ક્ષેત્ર નિર્માતા સંઘના હોદ્દેદારોએ શનિવારે રાજનાથ સિંહ સાથે મુલાકાત કરી હતી. તેમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગોના વિકાસમાં આવી રહેલી અડચણો અને તેના ઉકેલો અંગે આવેદનપત્ર સોંપ્યું હતું. રાજનાથ સિંહે આશ્વાસન આપ્યું હતું કે, ઉદ્યોગસાહસિકોની સમસ્યાઓના ઉકેલ પર સરકાર ગંભીરતાથી વિચાર કરશે. કારણ કે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો દેશના અર્થતંત્રની કરોડરજ્જુ છે.