Last Updated on by Sampurna Samachar
માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો
બે વર્ષનો બાળક રમતા રમતા ગટરમાં ખાબક્યો હોવાની આશંકા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના સચીન વિસ્તારના માતા પિતા માટે ચેતવણી સમાન એક ઘટના ઘટી. તલંગપુર ગામમાં સોમવારે સાંજે ૨ વર્ષીય બાળક બોલ રમતા રમતા ગુમ થઇ ગયો હતો. બે દિવસની શોધખોળ બાદ ઘરની નજીક આવેલી ગટરની ખાડીમાંથી ગુમ થયેલા બાળકનો મૃતદેહ મળ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઓડિસાના ગંજામના વતની અને હાલમાં સચીનમાં તલંગપુર ગામમાં પ્રાથમિક શાળા પાસે રહેતા મનોજ ગૉડનો ૨ વર્ષીય પુત્ર શુભમ સોમવારે સાંજે ઘર નજીક બોલ રમતો હતો. પરંતુ થોડા સમય બાદ બાળક ત્યાં ન દેખાતા પરિવારના લોકોની ચિંતા વધી ગઈ હતી. આજુબાજુના લોકોએ પણ પરિવારની સાથે બાળકની શોધખોળ શરૂ કરી હતી. ભારે જહેમત બાદ પણ બાળક ન મળતા આખરે પરિવારે પોલીસને જાણ કરી હતી.
શોધખોળ કરી રહેલા લોકોમાંથી કોઈને શંકા ગઈ કે બાળક કદાચ નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હશે. ફાયર બિગ્રેડને આ અંગે જાણ કરતા તેમની ટીમે મોડી સાંજ સુધી શોધખોળ હાથ ધરી છતાં બાળક ન મળ્યું. બીજા દીવસે મંગળવારે વહેલી સવારથી ફાયરના જવાનો ફરી શોધખોળ કરી. જે.સી.બી મશીન વડે ખાડી ઉપરના સિમેન્ટના ઢાંકણાઓ ખસેડીને તપાસ કરી તો આખરે બાળકનો મૃતદેહ મળ્યો હતો. જેને જોઈને પરિવારમાં માતમ છવાઈ ગયો. બાળકના મૃતદેહને સિવિલ ખાતે લઈ જવાયો હતો. આ અંગે સચીન જી.આઇ.ડી.સી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.