વર્ક-લાઈફ બેલેન્સ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી : નારાયણ મૂર્તિ
યુવાનોને સાપ્તાહિક ૭૦ કલાક કામ કરવા સલાહ આપી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઈન્ફોસિસના કો-ફાઉન્ડર અને પૂર્વ ચેરમેન નારાયણ મૂર્તિએ ફરી એક વખત યુવાનોની દુખતી રગ દબાવી છે. નારાયણ મૂર્તિએ ફાઈવ ડે વર્કિંગ પર અંગે નિઃસાસો નાખતાં કહ્યું છે કે, ‘યુવાનોએ પોતાના અને દેશના વિકાસ માટે વધુને વધુ કલાકો કામ કરવું જ જોઈએ. હું વર્ક-લાઈફ બેલેન્સ જેવી ચીજ પર વિશ્વાસ કરતો નથી.’
નારાયણ મૂર્તિએ ગ્લોબલ લીડરશીપ સમિટમાં વર્ક-લાઈફ અંગેના સવાલ પર જવાબ આપતાં ફરી કહ્યું છે કે, ‘વર્ક-લાઈફ બેલેન્સ જેવી કોઈ વસ્તુ હોતી જ નથી. મને તેમાં વિશ્વાસ જ નથી. ૧૯૮૬માં જ્યારે આપણે (ભારત) છ દિવસ પરથી પાંચ દિવસ વર્કિંગ ડે પર શિફ્ટ થયા ત્યારે હું ખૂબ નિરાશ થયો હતો. હું દિલગીર છું, પરંતુ હું મારા અંતિમ શ્વાસ સુધી મારો દ્રષ્ટિકોણ નહીં બદલું.’
નારાયણ મૂર્તિએ વડાપ્રધાન મોદીનું ઉદાહરણ આપતાં કહ્યું કે, ‘આપણા વડાપ્રધાન સપ્તાહમાં ૧૦૦ કલાક કામ કરી રહ્યા છે. તેઓ સતત દેશના વિકાસ માટે સમર્પણ એક મોડલ બની ગયા છે. વડાપ્રધાન મોદી અથાગ પરિશ્રમ કરી રહ્યા છે, વિકસતા દેશમાં વૈશ્વિક હરીફો સાથે સ્પર્ધા કરવા મજબૂત અને અથાક રીતે કામ કરવું જરૂરી પણ ખૂબ છે અને તેનો કોઈ વિકલ્પ નથી. આ વાત યુવાનોએ સમજી લેવી જોઈએ.’
મૂર્તિ પોતે પોતાની કારકિર્દી અંગે મહત્ત્વની બાબત શેર કરતાં કહ્યું કે, ‘હું દિવસમાં ૧૪ કલાક કામ કરું છું.આમ, સપ્તાહમાં સાડા છ દિવસ પ્રોફેશનલ ડ્યુટી કરું છું અને રોજ સવારે ૬.૩૦ વાગ્યે ઓફિસ પહોંચી જઉં છું અને રાત્રે ૮.૪૦ વાગ્યે ઘરે જઉ છું.’અગાઉ પણ નારાયણ મૂર્તિએ યુવાનોને સાપ્તાહિક ૭૦ કલાક કામ કરવા સલાહ આપી હતી. ત્યાર પછી સોશિયલ મીડિયા પર વિવાદ થયો હતો.જો કે, દેશમાં અનેક લોકોએ તેમની વાતનું સમર્થન પણ કર્યું હતું.