Last Updated on by Sampurna Samachar
તિહાર જેલમાં આરોપી આફતાબ પૂનાવાલાની સુરક્ષામાં વધારો
તિહાર જેલ પ્રશાસન પણ એલર્ટ
(સંપૂર્ણ સમાચાર સેવા)
નવી દિલ્હી, તા. ૧૫
દિલ્હીના પ્રખ્યાત શ્રદ્ધા વોલ્કર મર્ડર કેસના આરોપી આફતાબ પૂનાવાલા વિશે મોટા માહિતી બહાર આવી છે. અહેવાલો મુજબ, આફતાબ પૂનાવાલા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગના નિશાના પર છે.
મહત્ત્વપૂર્ણ છે કે, પૂનાવાલા પર મે ૨૦૨૨માં શ્રદ્ધાની કથિત રીતે હત્યા અને પછી તેના શરીરના ટુકડા કરવાનો આરોપ છે. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, તિહાર જેલ પ્રશાસન પણ સતર્ક થઈ ગયું છે. જેલમાં આફતાબ પૂનાવાલાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે.
તિહાર સૂત્રોએ માહિતી આપી છે કે, જેલ પ્રશાસન મીડિયામાં ચાલી રહેલા અહેવાલોને ધ્યાનમાં લઈને શ્રદ્ધા વોકર હત્યાના આરોપી આફતાબ પૂનાવાલાની સુરક્ષાને લઈને સતર્ક છે.આફતાબ પૂનાવાલા તિહાર જેલ નંબર ૪ મા બંધ છે. તિહારના સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસ તરફથી કોઈ સત્તાવાર માહિતી મળી નથી પરંતુ તેઓએ મીડિયામાં આવેલા અહેવાલોને ધ્યાનમાં લીધા છે.
હકીકતમાં, બાબા સિદ્દીકી હત્યા કેસમાં પકડાયેલા આરોપી શિવ કુમાર ગૌતમે પોલીસને કહ્યું છે કે,તે આફતાબને મારવા માંગે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આફતાબ પૂનાવાલા લોરેન્સ બિશ્નોઈ ગેંગના શૂટરોના નિશાના પર છે. તિહાર જેલમાં જ આફતાબની હત્યાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે.
મે ૨૦૨૨માં દિલ્હીના છતરપુર વિસ્તારમાં શ્રદ્ધા વોકરની હત્યા કરવામાં આવી હતી. હત્યા બાદ શ્રદ્ધાના શરીરના ૩૦થી વધુ ટુકડા કરી દેવામાં આવ્યા હતા. આ ઘટના ત્યારે બહાર આવી જ્યારે શ્રદ્ધાના પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી. મળતી માહિતી મુજબ, શ્રદ્ધાના મૃતદેહના ટુકડા ત્રણ અઠવાડિયા સુધી ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા અને ધીમે ધીમે શહેરના ઘણા વિસ્તારોમાં તેને ફેંકી દેવામાં આવ્યા હતા. આફતાબ પૂનાવાલા આ હત્યાનો આરોપી છે.