યુવકનો ડ્રામા જોઈ લોકો ખંજવાળવા લાગ્યા માથું !!
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડભોઈ તાલુકાના ઝારોલા વાળી વિસ્તાર પાસે વિચિત્ર ઘટના બની હતી. એક યુવક કોઈ અગમ્ય કારણોસર મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો અને ભારે તમાશો કર્યો હતો. યુવકનો ડ્રામા જોઈ ગામ લોકો માથું ખંજવાળવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આ યુવકને અસલમાં થયું છે શું? આ યુવક કેમ મોબાઈલ ટાવર પર ચડી ગયો? હવે ગ્રામજનોની જેમ તમને પણ એમ થતું હશે કે આ યુવક શોલે ફિલ્મના ધર્મેન્દ્રની જેમ ગામની જ કોઈ બસંતીના પ્રેમમાં પડ્યો હશે અને પોતાના પ્રેમનો ઇજહાર કરવા ટાવર પર ચડી ગયો હશે, પરંતુ અસલમાં એવું નથી. આ યુવક બસંતી નહીં બલ્કે બાઉન્સ થયેલા હપ્તાને કારણે મોબાઇલ ટાવર પર ચડી ગયો હતો.
ડભોઇ તાલુકાના ઝારોલાવાડી વિસ્તારમાં રહેતો એક યુવક જેને ગામ લોકો બંટી કહીને બોલાવે છે. આ યુવકે થોડા સમય અગાઉ પોતાના મનોરંજન માટે ફાઇનાન્સ પર એક મોંઘોડાટ મોબાઈલ ફોન ખરીદ્યો હતો. આ યુવક છૂટક મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. આમ તો આ યુવકે સમયસર પોતાના મોબાઈલના હપ્તા ભરી દીધા હતા પરંતુ છેલ્લે છેલ્લે આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અમુક હપ્તા નહોતો ભરી શક્યો જેના કારણે ફાઇનાન્સ કંપની દ્વારા આ યુવક પાસે બાકી પડતા પૈસાની ઉઘરાણી કરવામાં આવી હતી. જોકે આ યુવકે ફાઇનાન્સ કંપનીના ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા ફાઇનાન્સ કંપનીના માણસો બાકી પડતી રકમની ઉઘરાણી માટે યુવકના ઘર સુધી પહોંચી ગયા હતા. જેના કારણે આ યુવકે બાકીના હપ્તાના પૈસા ન ભરવા પડે તેના માટે તરખટ રચ્યું હતું અને મોબાઈલ ટાવર પર ચડી ગયો હતો.
ગ્રામજનોએ યુવકને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને મહામુસીબતે આ યુવકને મોબાઈલ ટાવર પરથી નીચે ઉતાર્યો હતો. જે બાદ ગ્રામજનોએ આ યુવકની પૂછપરછ કરતા તેણે પોતાની આપવીતી વર્ણવી હતી અને જણાવ્યું હતું કે છ આઠ મહિના અગાઉ તેણે એક મોંઘોદાટ મોબાઈલ ખરીદ્યો હતો. તેના હપ્તા તે સમયસર ચૂકવતો હતો પરંતુ મજૂરી કામમાં ભલીવાર ન આવતા તે આર્થિક કટોકટીમાં સપડાયો હતો. જે બાદ તે નવા ખરીદેલા મોબાઈલના હપ્તા સમયસર નહોતો ચૂકવી શક્યો. જેના કારણે ખાનગી ફાઈનાન્સ કંપની દ્વારા સતત ઉઘરાણી કરવામાં આવતી હતી. યુવકે ફાઇનાન્સ કંપનીના ફોન ઉઠાવવાનું બંધ કરી દેતા ફાઇનાન્સ કંપનીના માણસો ઉઘરાણી માટે યુવકના ઘર સુધી આવી પહોંચ્યા હતા. જેથી તેને બાકી નીકળતા પૈસા ચૂકવવા ન પડે તેના માટે આ તરખટ રચ્યું હતું.
જોકે, યુવકની વાત સાંભળી ગ્રામજનો પણ આશ્ચર્યમાં મુકાયા હતા અને બાદમાં આ યુવકને તેના ઘરે મોકલી આપવામાં આવ્યો હતો. ત્યારે ડભોઇ તાલુકાના ઝારોલા વિસ્તારમાં બનેલી આ ઘટના અત્યારે ચર્ચાનો વિષય બની છે અને મોબાઈલ ટાવર પર ચડેલા યુવકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.