ટનલ દ્વારા મુસાફરો અને સેનાને સરળ પરિવહન સુવિધા મળી રહેશે
આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. ૬,૦૦૦ કરોડનો ખર્ચ થવાની શક્યતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્ર સરકાર દ્વારા લેહથી પેંગોંગને જોડતી ટનલ બનાવવામાં આવશે. આ ઉપરાંત કેન્દ્ર કેલા પાસ દ્વારા ૭-૮ કિલોમીટર લાંબી ટ્વીન ટ્યુબ ટનલ બનાવવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહી છે. લદ્દાખના યુટી એડમિનિસ્ટ્રેશને કેન્દ્ર સરકારને તેનો પ્રસ્તાવ મૂક્યો છે. મહત્ત્વનું છે કે, લેહથી પેંગોંગ તળાવ સુધીની આ ટનલ દ્વારા મુસાફરો અને સેનાને સરળ પરિવહન સુવિધા મળી રહેશે. આ ઉપરાંત ખાસ વાત એ છે કે, આ ટનલના નિર્માણથી ભારતને વ્યૂહાત્મક રીતે ફાયદો થશે. ત્યારે ચીન હવે ભારત વિરુદ્ધ કોઈપણ માધ્યમનો ઉપયોગ કરતા પહેલા ૧૦ વાર વિચારશે.
મળતી માહિતી પ્રમાણે ગૃહ મંત્રાલયે એક સપ્તાહ પહેલા આ મુદ્દે બેઠક યોજી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ પ્રોજેક્ટ પાછળ અંદાજે રૂ. ૬,૦૦૦ કરોડનો ખર્ચ થવાની શક્યતા છે. તેમજ આ એક એક મુશ્કેલ અને ખૂબ મોટી કિંમતનો પ્રોજેક્ટ છે. અને ટૂંક સમયમાં જ તેના પર ર્નિણય લેવામાં આવશે. આ એક વ્યૂહાત્મક માર્ગ છે અને તે લેહથી પેંગોંગ સુધીના પ્રવાસ સમયમાં નોંધપાત્ર ઘટાડો કરશે. આ પ્રોજેક્ટ હજુ પ્રારંભિક તબક્કામાં છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન અથવા નેશનલ હાઈવેઝ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશન આ વ્યૂહાત્મક ટનલનું નિર્માણ કરશે કે કેમ તે અંગે વિચારણા કરવામાં આવી રહી છે, જેથી તમામ હવામાનમાં કનેક્ટિવિટી પૂરી પાડી શકાય. કેલા પાસ દેશનો સૌથી ઊંચો મોટર વાહન પાસ છે. આ લેહને પેંગોંગ તળાવ સાથે જોડે છે. અને તે સમુદ્ર સપાટીથી ૧૮,૬૦૦ ફૂટ ઊંચાઈ પર છે. પ્રવાસન, આર્થિક પ્રવૃત્તિઓ અને સંરક્ષણ દળોની સરળ રીતે આવન-જાવન કરી શકે તે માટે કનેક્ટિવિટી સુધારવાના ઉદ્દેશ્ય સાથે, લદ્દાખ પ્રશાસને ૨૦૨૨ માં ખારદુંગ લા, ફોતુ લા, નામિકા લા અને કેલા ખાતે ચાર પાસ પર નવી ટનલની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.