Last Updated on by Sampurna Samachar
સૌથી મોટો સવાલ તો એ છે કે કારમાં આગ લાગી કેવી રીતે
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જેના વિશે જાણીને તમે નવાઈ પામી જશો. અહીંયા એક કારમાં એકાએક બ્લાસ્ટ થયો, જેના કારણે કારમાં બેઠેલા એક વેપારીનું પણ મોત થયું છે. જેથી આ બનાવને લઈને હાલ ચર્ચા મચી જવા પામી છે. સાથે જ લોકો વિચારમાં મુકાઈ ગયા છે. જેમાં સૌથી મોટો સવાલ તો એ છે કે કારમાં આગ લાગી કેવી રીતે?
શહેરના સચિન મગદલ્લા રોડ પર આ ઘટના બની છે. જેમાં કારમાં બ્લાસ્ટ થવાને કારણે વેપારીનું કરુણ મોત થયું છે. જેના કારણે હાલ વેપારીના ઘરમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે. જે વેપારીનું મોત થયું છે તેનું નામ દિપક પટેલ હોવાનું સામે આવ્યું અને તે આભવા ગામનો રહેવાસી હતો. જેમાં આ વેપારી કારની લે-વેચનું કામ કરતો હતો.
જે સમયે કારમાં આગ લાગી હતી તે સમયે આસપાસ ઉભેલા લોકોએ જોયું કે વેપારી અંદર ફસાઈ ગયો છે. જેથી લોકોએ તેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ આગે એટલું વિકરાળ રૂપ ધારણ કરી લીધું કે લોકો કશું કરે તે પહેલાં તો અંદર બેઠેલા વેપારી દિપક પટેલનું આગમાં ભડથું થઈ ગયું. આ બનાવને લઈને રોડ પર પણ મોટા પ્રમાણમાં લોકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.ઉલ્લેખનીય છે કે આ બનાવ હાલ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. જેમાં સૌથી મોટો સવાલ તો એ છે કે કારમાં આગ લાગી કેવી રીતે ? હજુ સુધી કારમાં આગ લાગવાનું કારણ સામે નથી આવ્યું. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર દોડીને પહોંચી હતી. જેમાં પોલીસ દ્વારા વેપારીના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. સાથે જ આ અકસ્માતને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.