Last Updated on by Sampurna Samachar
સુરતના કાપડ માર્કેટમાં આવી તેજસ એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ, શતાબ્દી સાડી
ટ્રેનોના નામની સાડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા )
સુરત શહેર એક ડાયમંડ સિટી, બ્રીજ સિટી અને સિલ્ક સીટી તરીકે દેશ અને દુનિયામાં જાણીતું છે. સુરતની ટેક્સટાઇલ માર્કેટ એશિયાની સૌથી મોટી માર્કેટ ગણવામાં આવે છે. જે માર્કેટમાં અલગ અલગ સાડીઓનું વેચાણ થાય છે. જે સાડીઓના નામો પણ જાત-ભાતના છે. સુરતની સાડીઓ દેશભરમાં અને વિદેશમાં પણ ચર્ચાનું કેન્દ્ર બની રહે છે. તેની કિંમત અને તેની ડિઝાઇનને કારણે તો તે હંમેશા ચર્ચામાં રહે છે, ત્યારે લગ્ન સિઝનની શરૂઆતે જ ટેક્સટાઇલ માર્કેટમાં છેલ્લા કેટલાક દિવસથી અલગ પ્રકારનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. સુરતમાં ટ્રેનોના નામની સાડીએ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે.
અત્યાર સુધી સાડીઓના નામ માત્ર હિરોઈનો અને રોમેન્ટિક ફિલ્મોના નામે સાંભળવા મળતા હતા. પરંતુ સુરતના કાપડ માર્કેટમાં અલગ અલગ સાડીઓના અલગ અલગ ટ્રેનોના નામે સાંભળવા અને જોવા મળી રહ્યા છે. જેમાં વંદે ભારત, તેજસ અને શતાબ્દી જેવા ટ્રેનોના નામે સાડીઓનું વેચાણ થઈ રહ્યું છે. સુરતમાં બનતી સાડીઓ ફક્ત રાજ્ય સીમિત નથી પરંતુ અલગ અલગ દેશોમાં અને વિદેશ સુધી પણ વખણાય છે. રાજધાની, શતાબ્દી, દુરન્તો, અગસ્ટ ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામોની સાડીએ માર્કેટમાં ધૂમ મચાવી છે. આ સાડીઓના નામની સાથે સાથે તેની ડિઝાઈન અને કલર્સ પણ એક કરતાં એક ચઢિયાતા છે. સિલ્ક, શિફોન, ક્રેપ, ઓર્ગેન્ઝા જેવા કાપડ પર જરી, ટીકી વર્કની સાડીઓની આ વખતે ખૂબ ડિમાન્ડ જોવા મળી રહી છે.
સુરતના રીંગ રોડ તેમજ સારોલી વિસ્તારમાં ૨૧૬ જેટલી ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે. આ માર્કેટમાં ૧.૨૫ લાખ કરતા વધુ દુકાનોમાં ૭૦૦૦૦ જેટલા વેપારીઓ વેપાર કરે છે. સુરતના એક વેપારી દ્વારા સાડીઓને દેશની જાણીતી ટ્રેનોના નામ આપી વેપાર કરવામાં આવી રહ્યો છે. વેપારી દ્વારા હલ્દી ચંદન, આમ્રપાલી, પિહાર, સ્વીટ હાર્ટ, એશ્વર્યા, જવાન જેવા અલગ અલગ નામોથી પણ સાડીઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ હવે વેપારી દ્વારા વંદે ભારત, તેજસ, રાજધાની, શતાબ્દી, દુરંતો એક્સપ્રેસ, અગસ્ત ક્રાંતિ જેવી દેશની જાણીતી ટ્રેનોના નામે સાડીઓનું વિશેષ વેચાણ કરવામાં આવી રહ્યું છે.
સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં અત્યારે ભારતીય રેલવેના નામનો ટ્રેન્ડ શરૂ થયો છે. વંદે ભારતથી લઈને દુરંતો એક્સપ્રેસ સુધીની અલગ અલગ ટ્રેનોના નામ સાથે સાડીઓનું વેચાણ થઈ રહ્યું છે. જેની કિંમત ૩૦૦થી લઈને ૧૦૦૦ રૂપિયા સુધીની છે. જે શિવફોન મટીરીયલ, રેનીયલ, ૬૦ ગ્રામ વેટલેસ, મટીરીયલથી તૈયાર કરવામાં આવી છે. વર્ષોથી આ રીતે જાણીતા નામો સાડીઓને આપવામાં આવી રહ્યા છે. આ એક માર્કેટિંગનો નવો ફંડા છે. જે નામો સાંભળી લોકો સરળતાથી સાડીઓ પ્રત્યે આકર્ષિત થઈ જાય છે. જે સાડીઓની ડિમાન્ડ માત્ર ગુજરાત નહીં પરંતુ દિલ્હી, યુપી, બિહાર, એમપી, ઝારખંડ, રાજસ્થાન, મહારાષ્ટ્ર સહિતના અલગ અલગ રાજ્યોમાં આવેલી મંડીમાંથી વેપારીઓ ખરીદી માટે આવે છે.