Last Updated on by Sampurna Samachar
વાળ ખરવાની ફરિયાદો બાદ તપાસમાં કરતાં થયો ચોંકાવનારો ખુલાસો
આધુનિક મેડિકલ સાયન્સ કોઇ તપાસ કરે તેવી અપેક્ષા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઘઉં ખાવાથી માથાના વાળ ખરે તેવુ કોઇ તમને કહે તો તમને મજાક જ લાગે. પરંતુ ઘઉંના ખાવાથી કેટલાય લોકોના વાળ ખર્યા છે તેવો કિસ્સો મહારાષ્ટ્રમાંથી સામે આવ્યો છે. વાત છે મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાની જ્યાંના અસંખ્ય રહેવાસીઓના વાળ અચાનક ખરવા લાગ્યા છે. નિષ્ણાતો અને આરોગ્ય અધિકારીઓ દ્વારા આ મુદ્દે તપાસ કરવામાં આવી છે, જેના પરિણામ સ્વરૂપ ઘઉંને ઠેરવવામાં આવ્યું છે.
પદ્મશ્રી ડૉ. હિમ્મતરાવ બાવસ્કર દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી છે. એક મહિનાના અભ્યાસને અંતે તેમણે કહ્યું છે કે, અસરગ્રસ્ત લોકો એવા ઘઉંનું સેવન કરી રહ્યા છે, જેમાં ઝેરી તત્વો ભળેલા છે, જેને લીધે તેમના વાળ ખરી રહ્યા છે.
ડૉ. બાવસ્કરે કહ્યું છે કે, ‘પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ હેઠળ વિતરિત ઘઉંમાં સેલેનિયમનું ઊંચું પ્રમાણ નોંધાયું છે. આ ઘઉં પંજાબથી આવ્યા છે. સ્થાનિક રીતે ઉગાડવામાં આવતી ઘઉંની જાતો કરતાં આ (પંજાબથી આવેલા) ઘઉંમાં ૬૦૦ ગણું વધુ સેલેનિયમ મળી આવ્યું છે.
ત્રણથી ચાર જ દિવસમાં માથાના વાળ સાફ થઇ જાય
સેલેનિયમના ઊંચા લેવલને એલોપેસીયા (વાળ ખરી જવા)ના કેસોનું કારણ માનવામાં આવે છે.’ સેલેનિયમ એટલું ઝેરી તત્વ છે કે વાળ ખરવાની શરૂઆત થાય એ પછીના ત્રણથી ચાર જ દિવસમાં આખે આખું માથું સફાચટ થઈ જાય છે !
વાત કરીએ તો આટલી ઝડપે વાળ ખરવા એ ચિંતાનું કારણ છે. બુલઢાણા જિલ્લામાં બે-ચાર નહીં, સેંકડોની સંખ્યામાં લોકો આ તકલીફનો ભોગ બની ચૂક્યા છે.
ઘઉંના નમૂનાઓની તપાસ થાણેની વર્ની એનાલિટીકલ લેબમાં કરવામાં આવી હતી, જેમાં સેલેનિયમનું સ્તર પ્રતિ કિલોગ્રામે ૧૪.૫૨ મિલિગ્રામ નોંધાયું છે. સામાન્ય રીતે સેલેનિયમનું પ્રમાણ પ્રતિ કિલોગ્રામે ૧.૯ મિલિગ્રામ હોય છે. એ હિસાબે જોતાં બુલઢાણાના લોકો જે ઘઉં આરોગી રહ્યા છે એ ખતરનાક હદે ઝેરી છે. પીડિત લોકોના રક્ત, પેશાબ અને વાળના નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં સેલેનિયમના પ્રમાણમાં અનુક્રમે ૩૫ ગણો, ૬૦ ગણો અને ૧૫૦ ગણો વધારો જોવા મળ્યો છે. સેલેનિયમની નકારાત્મક અસર એવી વ્યક્તિઓમાં વધુ હતી જેમના શરીરમાં ઝિંકનું પ્રમાણ ઓછું હતું.
બુલઢાણા જિલ્લાના ૧૮ ગામોના લગભગ ૩૦૦ લોકો આ સમસ્યાનો ભોગ બન્યા છે. એમાંના ઘણા તો કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ છે! અમુકને માથે વાળ એકદમ ઓછા થઈ ગયા છે તો અમુક સાવ એટલે સાવ ટકલા થઈ ગયા છે.
અમુક બાળકોને પણ એની અસર થઈ છે. ૮ વર્ષના બાળકથી લઈને ૭૨ વર્ષના વૃદ્ધ સુધીના લોકોને ટાલ પડી ગઈ છે. ખરતા વાળને લીધે શરમ અનુભવતા બાળકો-યુવાનોએ શાળા-કોલેજ જવાનું પણ બંધ કરી દીધું છે. અચાનક વાળ ગુમાવી બેસવાથી અમુક યુવા-યુવતીઓની સગાઈ પણ ફોક થઈ છે.
આ દિશામાં હવે મહારાષ્ટ્ર સરકાર કેવા પગલાં લેશે, એના પર સૌની નજર રહેશે. અકાળે ટાલનો ભોગ બનેલા લોકો માટે વાળ-વિહોણી આ સ્થિતિ કાયમી હશે કે પછી આધુનિક મેડિકલ સાયન્સ એમની વહારે આવશે?