Last Updated on by Sampurna Samachar
PM મોદીએ ૨ તસવીરો દ્વારા વિશ્વને આપ્યો સંદેશ
વડાપ્રધાને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓપરેશન સિંદૂર દ્વારા મોડી રાત્રે ભારતે પાકિસ્તાન સાથે પહલગામ આતંકવાદી હુમલાનો બદલો લીધો. ભારતે બતાવી દીધું કે જો કોઈ અમને આંખ બતાવશે, તો જડબાતોડ જવાબ આપવામાં આવશે. ત્યારે ઓપરેશન સિંદૂર બાદ PM નરેન્દ્ર મોદીએ કેબિનેટની બેઠક યોજી હતી. આ દરમિયાન બેકગ્રાઉન્ડમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની તસવીર જોવા મળી. જે બાદ PM મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.
કેબિનેટની બેઠક દરમિયાન પણ મહાત્મા ગાંધીની તસવીર આગળ ટેબલ પર જોવા મળી હતી. આ બંને તસવીરો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિનો સંદેશ આપ્યો. PM મોદીએ સ્પષ્ટપણે એવો સંદેશ આપ્યો કે ભારત હિંસાને સમર્થન કરતું નથી. અમે ગાંધીજીના વિચારોને અનુસરનારા લોકો છીએ, પરંતુ જો કોઈ અમને છંછેડશે, તો અમે ચૂપ નહીં બેસીએ.
પાકિસ્તાને ભારતને હળવાશથી લીધુ હતું
ભારતની નીતિ હંમેશાથી પહેલા પ્રહાર ન કરવાની રહી છે. આ એક વખત નથી, ઘણી વખત આ સાબિત થયું છે. PM મોદી તો ખુદ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના એક આમંત્રણ પર તમામ પ્રોટોકોલ તોડીને લાહોર ગયા હતા. આ મોટા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને પુરાવા પણ આપ્યા, પરંતુ પાકિસ્તાની આર્મીએ આ પુરાવાઓને નકારી કાઢ્યા હતા.
ઘણા સમયથી પાકિસ્તાન ભારતને હળવાશથી લેવા લાગ્યું હતું. તેને લાગી રહ્યું હતું કે ભારત પર ગમે એટલા હુમલા કરીશું, તો ભારત કંઈ નહીં કરે, શાંતિથી બેસી રહેશે. પરંતુ પહેલા સર્જિકલ સ્ટ્રાઈક, પછી એર સ્ટ્રાઈક અને હવે ઓપરેશન સિંદૂરથી PM મોદીએ જણાવી દીધું કે ભારત પોતાની આત્મરક્ષા અને નાગરિકોની સુરક્ષા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.
ભારતનો હેતુ સ્પષ્ટ છે. જે રીતે ભગવાન શ્રીરામે શાંતિની સ્થાપના માટે રાવણ સાથે યુદ્ધ કર્યું હતું, તેવી જ રીતે પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીરમાં ફેલાવવામાં આવી રહેલા આતંકવાદ પર આકરો પ્રહાર કરવા માટે ભારતીય સેનાએ આ હુમલો કર્યો છે. આ મોટા હુમલા બાદ PM ની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત અને કેબિનેટની બેઠકમાં ગાંધીજીની તસવીરને બતાવવામાં આવી છે. પીએમ મોદીનો સંદેશ એકદમ સ્પષ્ટ છે. ભારત શાંતિ ઈચ્છે છે.