Last Updated on by Sampurna Samachar
સાધ્વી સરસ્વતી ૧૯૯૬માં ભારત આવી હતી
સનાતન ધર્મને સંપૂર્ણ આસ્થા અને ગરિમા સાથે અપનાવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પ્રયાગરાજ મહાકુંભમાં છેલ્લા દોઢ મહિનાથી ઘણા આધ્યાત્મિક હસ્તીઓનો મેળાવડો રહ્યો છે, જેમાંથી કેટલાક લોકો એવો જેમણે સાંસાંરિક જીવન સંપત્તિ છોડી સંન્યાસ લીધો હોય તે લોકો ખૂબ ચર્ચામાં રહ્યા. પરંતુ ઘણા લોકો એવા પણ છે જેમણે સનાતન ધર્મને સંપૂર્ણ આસ્થા અને ગરિમા સાથે અપનાવ્યો છે, પરંતુ તેઓ ચર્ચાથી પરે પોતાની સાધનામાં લીન રહે છે. આવું જ એક નામ સાધ્વી ભગવતી સરસ્વતીનું છે.
તે પરમાર્થ નિકેતન આશ્રમ સાથે સંકળાયેલી છે અને મહાકુંભમાં પણ પહોંચી. તેમની સ્ટોરી એક તરફ સનાતન ધર્મના અનુયાયીઓને પ્રેરણા આપે છે બીજી તરફ વિશ્વને પણ સંદેશ આપે છે કે ભારતીય જીવનશૈલી શાંતિ, સંતુલન અને સાદગીનું પ્રતીક છે. આ જ કારણ છે કે દુનિયાભરના લોકો સનાતનને સમજવા અને તેના મૂલ્યોને અપનાવવા માંગે છે.
‘હોલીવુડ ટુ હિમાલયાઝ’ માં ઉલ્લેખ
સાધ્વી ભગવતી સરસ્વતીની સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે. અમેરિકામાં જન્મેલી સાધ્વી ભગવતી સરસ્વતી એક યહૂદી પરિવારની હતી. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક થયેલ સાધ્વી સરસ્વતી ૧૯૯૬માં ભારત આવી હતી અને પછી અહીં જ સ્થાયી થઈ ગઈ. તેમણે પોતાનું પુસ્તક ‘હોલીવુડ ટુ હિમાલયાઝ’ માં જણાવ્યું કે કેવી રીતે બાળપણમાં તેમનું જાતીય શોષણ થયું હતું અને ખાવાની વ્યવસ્થા પણ ખરાબ હતી. તેના લગ્ન પણ થઈ ગયા હતા પરંતુ તેણે તેના પતિને છૂટાછેડા આપી દીધા અને આધ્યાત્મિકતા અને સત્યની શોધમાં ભારત આવી ગઈ. હવે તે હિન્દુ જીવનશૈલી અપનાવી ચૂકી છે. તેણે સ્વામી ચિદાનંદ સરસ્વતી પાસેથી દીક્ષા લીધી છે અને હાલમાં તે પરમાર્થ નિકેતન આશ્રમની સભ્ય છે.
તે પોતાનો મોટાભાગનો સમય ઋષિકેશમાં વિતાવે છે અને સમાજ સેવાની પ્રવૃત્તિઓમાં સક્રિય રહે છે. તેઓ ૧૧ ગ્રંથોમાં લખાયેલ ‘એનસાયક્લોપીડિયા ઓફ હિન્દુઈઝમ’ ની રચના કરનાર ટીમનો પણ હિસ્સો છે. તે લોસ એન્જલસની રહેવાસી છે અને મનોવિજ્ઞાનમાં પીએચડી સુધીનો અભ્યાસ કર્યો છે. પરંતુ એક શાનદાર કરિયરનો માર્ગ છોડીને તેણે હિન્દુ ધર્મ અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો. તેને યોગાભ્યાસમાં પણ ઊંડો રસ છે. તે ડિવાઈન શક્તિ ફાઉન્ડેશનની પ્રમુખ છે, જે અનેક શાળાઓ અને વોકેશનલ ટ્રેનિંગ કાર્યક્રમો ચલાવે છે. પરમાર્થ નિકેતન આશ્રમ સાથે સંકળાયેલા હોવા ઉપરાંત તે ઘણી આંતરરાષ્ટ્રીય સંસ્થાઓનો પણ ભાગ છે. તેણે વર્લ્ડ બેંક અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના ઘણા અભિયાનમાં પણ ભાગ લીધો છે.