Last Updated on by Sampurna Samachar
“વીડિયોમાં રાજાને જોયો તો મને તેના વિશે ખુબ ખરાબ લાગ્યું”
કપલનો એક નવો વીડિયો વાયરલ થઈ રહ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મધ્ય પ્રદેશના ઈન્દોરના રહીશ રાજા રઘુવંશી અને સોનમના કેસમાં રોજ નવા ખુલાસા થાય છે અને વિગતો સામે આવે છે કે દંગ રહી જવાય. હવે કપલનો એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં બંને જંગલમાં ટ્રેકિંગ કરતા જોવા મળે છે. આ વીડિયો તેમની નજીકથી પસાર થતા કોઈ અન્ય ટુરિસ્ટે બનાવ્યો છે. એવું કહેવાય છે કે આ બની શકે કે કપલનો એક સાથે છેલ્લો વીડિયો હોય. હાલ જોકે શિલોંગ કે ઈન્દોર પોલીસે વીડિયો વિશે કોઈ જાણકારી શેર કરી નથી.
શિલોંગ પોલીસ આ મામલે ચાર્જશીટ દાખલ કરવાની તૈયારી કરી રહી છે. જો પોલીસ કપલના આ નવા વીડિયોને પોતાની તપાસમાં સામેલ કરે તો તે જાણવું રહેશે કે આ વીડિયો રાજાની હત્યાના કેટલા કલાક પહેલા બનાવવામાં આવ્યો હતો અને તે ઘટનાસ્થળથી કેટલું દૂર છે. શિલોંગ ફરવા ગયેલા એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર એવો દાવો કર્યો છે કે ડબલ ડેકર બ્રિજની ટ્રિપ દરમિયાન તે જ્યારે વીડિયો બનાવતો હતો ત્યારે તેની ફ્રેમમાં રાજા અને સોનમ રઘુવંશી પણ કેદ થયા હતા. બંને ઉપરની તરફ જઈ રહ્યા હતા. સોનમે તે જ સફેદ શર્ટ પહેર્યું હતું. જે બાદમાં રાજા રઘુવંશીના મૃતદેહ પાસે મળ્યું હતું.
સોનમ રઘુવંશી હાથમાં ડંડો લઇને ચાલતી નજરે પડી
દેવ સિંહ નામના આ વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરીને લખ્યું કે “હું ૨૩મી મેના રોજ ૨૦૨૫ના મેઘાલય ડબલ ડેકર રૂટ બ્રિજની યાત્રાએ ગયો હતો અને વીડિયો રેકોર્ડ કર્યો હતો. કાલે હું વીડિયો જોઈ રહ્યો હતો ત્યારે મને ઈન્દોરના એ કપલનું રેકોર્ડિંગ મળ્યું. સવારે લગભગ ૯.૪૫ વાગ્યાનો સમય હતો જ્યારે અમે નીચે જઈ રહ્યા હતા અને રાજા અને સોનમ નોગરીટ ગામમાં રાત વિતાવ્યા બાદ ઉપર જઈ રહ્યા હતા.”
વીડિયો શેર કરનારાએ વધુમાં લખ્યું કે મને લાગે છે કે “આ બંનેનું આ છેલ્લું રેકોર્ડિંગ હતું. સોનમે એ જ સફેદ શર્ટ પહેર્યું હતું જે રાજા પાસે મળ્યું હતું. મને આશા છે કે તેનાથી મેઘાલય પોલીસને પણ આ મામલો ઉકેલવામાં મદદ મળશે.” દેવ સિંહે રાજા રઘુવંશીને વીડિયોમાં જોઈને કહ્યું કે, “જ્યારે પણ મે વીડિયોમાં રાજાને જોયો તો મને તેના વિશે ખુબ ખરાબ લાગ્યું. તે સામાન્ય લાગી રહ્યો હતો પરંતુ તેને ખબર નહતી કે તેના માટે આગળ શું રાહ જોઈ રહ્યું હશે. મારી પાસે એક વધુ વીડિયો છે જેમાં ઈન્દોરના ૩ અન્ય લોકો પણ જોઈ શકાય છે. જેમણે આ બંને કરતા ૨૦ મિનિટ પહેલા યાત્રા શરૂ કરી હતી અને પોલીસે તેમને પકડ્યા હતા.”
ગણતરીની સેકન્ડોનો આ વીડિયોમાં કપલ સામેથી આવતું દેખાય છે. બંને જંગલમાં ક્યાંક ટ્રેકિંગ કરી રહ્યા છે. ત્યારે સામેથી આવતા કોઈ અન્ય પ્રવાસી આ વીડિયો બ્લોગ બનાવી રહ્યા છે. જેમાં કપલ કેદ થઈ ગયું. વીડિયોમાં સોનમ રઘુવંશી હાથમાં ડંડો લઈને ચાલતી દેખાય છે.
કેમેરાને જોતા જ જાણે તે સતર્ક થઈ રહી હોય તેવા હાવભાવ છે. જેમ જેમ કેમેરા પાસે આવે છે ત્યારે તેની નજર કેમેરાના લેન્સ પર ટકેલી દેખાય છે. સોનમના ચહેરા પર ભાવ સંદિગ્ધ જોવા મળે છે જાણે કે તે વીડિયોથી બચવા માંગતી હોય. પરંતુ અચાનક કેમેરો સામે આવ્યો તો તે બચી શકી નહીં અને એક નજર એવી ફેરવી અને આગળ વધી ગઈ.
જ્યારે તેની પાછળ પાછળ રાજા હાથમાં પાણીની બોટલ અને પોતાના કપડા લઈને આવતો દેખાય છે. તે સોનમની પાછળ પાછળ આગળ વધતો જાય છે. અત્રે જણાવવાનું કે સોનમ હાલ શિલોંગ પોલીસના રિમાન્ડમાં છે. રાજાનો મૃતદેહ ખાઈમાંથી મળ્યો હતો. આ મામલે પોલીસે સોનમ સહિત પાંચ લોકોની ધરપકડ કરી છે.