Last Updated on by Sampurna Samachar
અકસ્માત અંગે ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ સંવેદના વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરાખંડના પૌડીથી સેન્ટ્રલ સ્કૂલ જતા માર્ગ પર એક મોટી બસ દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં અત્યાર સુધીમાં ૫ લોકોના મોત અને ૧૫થી વધુ લોકો ઘાયલ થયાની પુષ્ટિ થઈ છે. મળતી માહિતી અનુસાર, બસ બેકાબૂ થઈ ગઈ હતી. જેને લઈને બસ ૧૦૦ મીટર નીચે ખીણમાં ખાબકી હતી. દુર્ઘટના એટલી ભયંકર હતી કે ઘટના સ્થળે ચીંચીયારીઓ ગુંજી ઉઠી હતી.
મિની બસ જે પૌડી બસ સ્ટેશનથી કેન્દ્રીય વિદ્યાલય થઈને શ્રીનગર માટે અંદાજિત ૩ વાગ્યે નીકળી હતી. ત્યારે પૌડીના કોઠાર બેન્ડ નજીક અંદાજિત ૪ વાગ્યા આસપાસ બસ દુર્ઘટનાનો શિકાર બની હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, બસમાં અંદાજિત ૨૦ લોકો સવાર હતા. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ મુસાફરોના મૃત્યુ થયા છે, જ્યારે અન્ય ઘાયલ થઈ ગયા. તમામ ઘાયલોને તાત્કાલિક પ્રાથમિક સારવાર માટે જિલ્લા હોસ્પિટલ પૌડી લઈ જવાયા, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને જિલ્લા હોસ્પિટલ શ્રીનગર રિફર કરાયા છે.
ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે X પર લખ્યું કે, ‘પૌડીમાં કેન્દ્રીય વિદ્યાલય તરફ જનારા માર્ગ પર બસ દુર્ઘટનાગ્રસ્ત થવાથી ચાર મુસાફરોના નિધનના અત્યંત દુઃખદ સમાચાર મળ્યા. ભગવાનને પ્રાર્થના છે કે દિવંગતોની આત્માને શાંતિ અને પરિજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.’ મુખ્યમંત્રીએ ઘાયલોની તાત્કાલિક અને સારી સારવાર માટે નિર્દેશ આપ્યા છે.