નાણા મંત્રી ર્નિમલા સીતારમણે તેના પર સ્પષ્ટતા આપતાં લોકોને રાહત થઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
GST કાઉન્સિલ દ્વારા આ વખતની બેઠકમાં કરવામાં આવેલી જાહેરાતોથી પ્રજા સ્તબ્ધ બની છે. જેમાં સૌથી ચર્ચાસ્પદ મુદ્દો પોપકોર્નની જુદી-જુદી વેરાયટી પર જુદો-જુદો GST રહ્યો છે. પરંતુ આ સિવાય યુઝ્ડ અને જૂની કારના વેચાણ પર ૧૮ ટકા GST નો મુદ્દો પણ ચર્ચાઈ રહ્યો છે. યુઝ્ડ-જૂની કારના વેચાણ પર પણ GST ચૂકવવા મુદ્દે સોશિયલ મીડિયા પર સરકાર પર આકરા પ્રહારો થઈ રહ્યા છે. નાણા મંત્રી ર્નિમલા સીતારમણે તેના પર સ્પષ્ટતા આપતાં લોકોને રાહત થઈ છે.
જૂની અને વપરાયેલી કારના વેચાણ પર ૧૮ ટકા GST ખરીદ કિંમત અને વેચાણ કિંમત વચ્ચેના તફાવત પર લાગુ થશે. જોકે, તેમાં પણ ઘસારો બાદ મળશે. અર્થાત જો ૧૨ લાખની કિંમતમાં ખરીદેલી ગાડી રૂ. ૯ લાખમાં વેચવામાં આવે તો તેનુ માર્જિન રૂ. ૩ લાખ થશે. આ માર્જિનમાં પણ જો ઘસારા માટે અપીલ કરશો તો, કોઈપણ ટેક્સ ચૂકવવો પડશે નહીં. સામાન્ય રીતે જૂની અને યુઝ્ડ કાર ખરીદ કિંમત કરતાં ઓછા ભાવે જ વેચાતી હોય છે. કારણકે તેના પર ઘસારો લાગુ પડે છે.
આ ઘસારો મોંઘવારી અને વપરાશના વર્ષના આધારે નક્કી થાય છે. વધુમાં વ્યક્તિગત ધોરણે વેચવામાં આવેલી કાર પર કોઈ જીએસટી લાગુ થશે નહીં. અર્થાત જીએસટી રજિસ્ટર્ડ સેલર પર જ આ ટેક્સ લાગુ થશે. GST કાઉન્સિલની ૫૫ મી બેઠકમાં જૂની કારના વેચાણ પર GST ૧૨ ટકાથી વધારી ૧૮ ટકા કરવામાં આવ્યો છે. આ ટેક્સ માત્ર GST રજિસ્ટર્ડ યુઝ્ડ કારનો બિઝનેસ કરતાં લોકો પર જ લાગુ છે. સામાન્ય વ્યક્તિ પર તેનો બોજો પડશે નહીં. તેમાં પણ GST રજિસ્ટર્ડ ડીલર્સે પ્રોફિટ માર્જિનમાં જ ટેક્સ ચૂકવવો પડશે આ સિવાય નુકસાનમાં ટેક્સ લાગુ થશે નહીં.
ધારો કે, જૂની કારની લે-વેચ કરતાં વેપારીને રૂ. ૫ લાખમાં કાર વેચી હોય અને તેણે તેમાં રૂ. ૫૦, ૦૦૦ નો ખર્ચ કરી કાર અન્યને રૂ. ૬ લાખમાં વેચી દીધી હોય તો તેને રૂ. ૫૦, ૦૦૦ બાદ મળશે. પરંતુ રૂ. ૫૦૦૦૦ના નફા પર ૧૮ ટકા ટેક્સ અર્થાત રૂ. ૯૦૦૦ ટેક્સ પેટે ચૂકવવા પડશે.