Last Updated on by Sampurna Samachar
ઉત્તરપ્રદેશ યોગી સરકારના બજેટ પર અખિલેશ યાદવનો કટાક્ષ
બજેટ જોઈને તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પણ નિરાશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉત્તરપ્રદેશ સરકાર યોગી સરકારનુ બજેટ સમાજવાદી પાર્ટીને પસંદ ન આવ્યું હોય તેમ જણાઇ રહ્યુ છે. જ્યાં સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ આ બજેટ પર ટિપ્પણી કરતા કહ્યું કે આ ભાજપનું સેકેન્ડ લાસ્ટ બજેટ હતું, ત્યારબાદ છેલ્લું બજેટ હશે અને અમારી સરકાર સત્તામાં આવશે.
અખિલેશે કહ્યું કે જો આપણે તેમના અનેક બજેટ પર નજર નાખીએ તો તે તેમના મેનિફેસ્ટો સાથે મેળ નથી ખાતા. આ બજેટ વિઝન વગર આવ્યું છે, બજેટમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારનો કોઈ રોડમેપ નક્કી નહોતો કે ઉત્તર પ્રદેશને કઈ દિશામાં લઈ જવાનું છે.
બીજી તરફ મુખ્યમંત્રી યોગી દ્વારા સંગમના પાણીને શુદ્ધ બતાવવા પર અખિલેશ યાદવે કટાક્ષ કરતા કહ્યું કે, ભાજપના તમામ નેતાઓને સંગમનું પાણી મોકલવું જોઈએ. તેમણે તેનાથી જ સ્નાન કરો, જમવાનું બનાવો અને એ જ પાણી પીવો. આ પાણી વિધાનસભામાં પણ રાખી દેવું જોઈએ અને તેમને પીવડાવવું જોઈએ. આખરે CM ને તો ખબર જ નથી કે આ બેક્ટેરિયા ક્યાંથી આવે છે.
સમાજવાદી પાર્ટીના ચીફે આગળ કહ્યું કે, દર વખતે બજેટ આવે છે અને સરકાર કહે છે કે આ યુપીનું સૌથી મોટું બજેટ છે. દરેક બજેટ પાછલા બજેટ કરતા મોટું હશે. આ વખતે તે બજેટ નથી પણ એક મોટો ઢોલ છે જેનો અવાજ તો મોટો છે પણ અંદરથી ખાલી છે. આખું બજેટ ખોખલું છે. આ બજેટનો ઝોલો ખાલી છે. જનતાને લાગે છે કે બજેટ હજુ આવ્યું જ નથી. તે પૂછી રહી છે કે પ્રવચન તો આવી ગયું પણ બજેટ ક્યારે આવશે.
અખિલેશ યાદવે કહ્યું કે, આ પહેલી આવી સરકાર છે જે ઉર્દૂનો વિરોધ ઉર્દૂમાં જ કરી રહી હતી. તેમણે ભાષણમાં ઘણી વખત ઉર્દૂ શબ્દનો પ્રયોગ કર્યો છે જેમ કે, બદનામ, બખ્શા નહીં જાયેગા, મોત, હાદસા, જાન, હસીન, અગર, બાદ વગેરે. કોઈ જણાવશો કે રેલનું હિન્દી શું થાય, ગૈરનું હિન્દી શું થાય છે. ક્રિકેટ, સ્ટેશન, ઈન્ટરનેટ અને મેટ્રો જેવા શબ્દોનું હિન્દી શું થાય છે.
પાર્ટી ઓફિસમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં બોલતા અખિલેશ યાદવે આગળ કહ્યું કે, આ બજેટને જોઈને ખેડૂતોની આશાના ખેતર સૂકાઈ ગયા છે. મહિલાઓની ચિંતા વધી ગઈ છે કે ઘર કેવી રીતે ચલાવીશું. આ બજેટમાં સામાન્ય જનતા માટે કંઈ નથી. લોકો કહી રહ્યા છે કે, સરકારનું પ્રવચન તો થઈ ગયું છે હવે બજેટ ક્યારે આવશે.
અખિલેશ યાદવે આગળ કહ્યું કે, યુપીનું બજેટ જોઈને તમામ મંત્રીઓ અને ધારાસભ્યો પણ નિરાશ છે કારણ કે, આ બજેટમાં તેમના માટે અને તેમના વિભાગ માટે કંઈ નથી. અંતે જનતાને મોઢું તો તેમણે જ બતાવવાનું છે, તો તેઓ કેવી રીતે તેમની સામે જશે. ભાજપે આ બજેટમાં પણ પોતાના સંકલ્પ પત્રના વાયદા પૂરા ન કર્યા, તેમનું નવમું બજેટ પણ ફેલ રહ્યું. આ વર્ષ બાદ સરકાર પોતાનું છેલ્લું બજેટ રજૂ કરશે અને ત્યારબાદ નવી સરકાર સત્તામાં આવશે.