Last Updated on by Sampurna Samachar
અમદાવાદના સોના – ચાંદી બજારમાં ભાવ સ્થિર જોવા મળ્યા
ક્રૂડ ઓઈલના ભાવો પણ ઘટ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના આકરા પગલાંઓના કારણે આર્થિક મંદી અને ટ્રેડ વોરની ભીતિના પગલે કિંમતી ધાતુ બજાર પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહ્યા છે. જેના પગલે સોના-ચાંદી માર્કેટ છેલ્લા ત્રણ દિવસથી સ્થિર બન્યા છે.
વૈશ્વિક અને સ્થાનિક સ્તરે સોનું ફ્લેટ બંધ રહ્યા બાદ નજીવા ઘટાડે ક્વોટ થઈ રહ્યું છે. MCX સોનું રૂ. ૮૬૦૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર સ્થિર રહ્યું છે. જે આજે ૮૬, ૧૩૯ પ્રતિ ૧૦ ગ્રામના સ્તરે ખૂલ્યા બાદ રૂ. ૧૦૫ના નજીવા ઘટાડે ૮૬૦૪૭ પર ટ્રેડ થઈ રહ્યું છે. વૈશ્વિક સ્તરે સ્પોટ ગોલ્ડ પણ ૧.૭૯ ડોલરના નજીવા ઘટાડે ૨૯૧૯.૧૦ ડોલર પર ક્વોટ થયુ હતું.
કિંમતી ધાતુને તેજીનો ટેકો મળ્યો
અમદાવાદ બુલિયન બજારમાં સોનાનો ભાવ સળંગ છેલ્લા ત્રણ દિવસથી રૂ. ૮૮, ૮૦૦ પ્રતિ ૧૦ ગ્રામ પર સ્થિર રહ્યો છે. તે અગાઉ સાત માર્ચે રૂ. ૮૮, ૯૦૦ પ્રતિ ૧૦ ગ્રામ થયો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરતાં ટ્રેડ વોર અને ફુગાવાની ભીતિ વધી છે, જેના લીધે ડોલર ઈન્ડેક્સ નબળો પડ્યો છે. ક્રૂડ ઓઈલના ભાવો પણ ઘટ્યા છે.
ફેડ આગામી સમયમાં વ્યાજના દરો ઘટાડે તેવી શક્યતાઓ સાથે કિંમતી ધાતુને તેજીનો ટેકો મળ્યો છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં આગામી ગાળામાં સોના-ચાંદીમાં તેજી જળવાઈ રહે તેવી શક્યતાઓ કોમોડિટી નિષ્ણાતો આપી રહ્યા છે. કિંમતી ધાતુ બજાર વૈશ્વિક અનિશ્ચિતતાઓના કારણે હાલ સ્થિર બન્યું છે. પરંતુ તેમાં ચાંદી અપવાદ રૂપ સાબિત થઈ છે.
ગત વર્ષે પણ આકર્ષક રિટર્ન આપનારી ચાંદીમાં તેજી યથાવત રહી છે. વૈશ્વિક ચાંદી ૦.૩૩ ટકા ઉછાળે ૩૩.૨૫ ડોલર પ્રતિ ઔંશ પર ક્વોટ થઈ હતી. એમસીએક્સ ચાંદી પણ આજે રૂ. ૨૧૯ના ઉછાળે રૂ. ૯૮૩૫૧ પ્રતિ કિગ્રા પર કારોબાર કરી રહી હતી. ચાંદી વાયદો પણ રૂ. ૧૧૪૩ ઉછળી રૂ. ૯૭૬૦૮ પ્રતિ કિગ્રા પર બંધ રહ્યો હતો.