Last Updated on by Sampurna Samachar
વીજળી પડતા દંપતિ અને દિકરી જીવતા સળગી ગયા
ભયાનક દ્રશ્યો જોઇ સૌ કોઇના હ્દય કંપી ઉઠ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
બિહારમાં કમોસમી વરસાદના કારણે હવામાન બદલાતાં વીજળી અને તોફાનના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે. ત્યારે હવે અરવલમાં જિલ્લામાં મેઘપ્રકોપના કારણે એક પરિવારનો માળો વિખેરાઇ ગયો હતો. વરસાદ વચ્ચે વીજળી પડવાથી પતિ-પત્ની અને તેની પુત્રીનું જીવતા સળગી જવાથી મોત થઈ ગયું છે. આ હૃદયદ્રાવક દુર્ઘટનાનું દ્રશ્ય એટલું ભયાનક હતું કે તેને જોઈને લોકોના હૃદય કાંપી ઉઠ્યા છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે અરવલમાં વીજળી પડવાથી શાદીપુર ગામના નિવાસી ૪૮ વર્ષીય અવધેશ યાદવ, તેમની પત્ની ૪૫ વર્ષીય રાધિકા દેવી અને ૧૮ વર્ષની દીકરી રિંકુ કુમારીનું દુ:ખદ મોત થઈ ગયું છે. ગામલોકોએ જણાવ્યું કે વરસાદ શરૂ થઈ જતા પરિવારના સભ્યો ખેતરમાં ઘઉં લેવા માટે ગયા હતા.
વહીવટી તંત્રએ મૃતકોના પરિવારને સહાયની કરી જાહેરાત
આ દરમિયાન જ્યારે તેઓ ખેતરમાં કામ કરી રહ્યા હતા. ત્યારે તેમના પર અચાનક વીજળી પડી અને પરિવારના ત્રણેય સભ્યો તેની લપેટમાં આવી ગયા. આ દુ:ખદ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં માતમ છવાઈ ગયો છે. આ ઘટના બાદ તરત જ સ્થાનિક લોકોએ પોલીસને સૂચના આપી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે મૃતદેહોને કબજામાં લઈ હોસ્પિટલ મોકલી દેવામાં આવ્યા છે. બીજી તરફ વહીવટી તંત્રએ મૃતકોના પરિવારજનોને ૪-૪ લાખ રૂપિયાનું વળતર આપવાનું એલાન કર્યું છે.