Last Updated on by Sampurna Samachar
સુપ્રિમ કોર્ટનો મોટો મહત્વપૂર્ણ ચુકાદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે બંધારણની કલમ ૧૪૨ હેઠળ પોતાના વિશેષાધિકારનો ઉપયોગ કરીને મોટો ર્નિણય સંભળાવ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે એક દલિત પુરુષ અને બિન-દલિત મહિલાના લગ્નને રદ્દ કરી દીધા છે. કોર્ટે એ પણ આદેશ આપ્યો છે કે પતિ છેલ્લા છ વર્ષથી માતા સાથે રહેતા તેના સગીર બાળકો માટે અનુસૂચિત જાતિ પ્રમાણપત્રો મેળવે. જસ્ટિસ સૂર્યકાંત અને ઉજ્જલ ભુયાની બેન્ચે જુહી પોરિયા અને પ્રદીપ પોરિયાને છૂટાછેડા આપતાં કહ્યું હતું કે બિન-દલિત મહિલા લગ્ન દ્વારા અનુસૂચિત જાતિમાં જોડાઈ શકે નહીં. જોકે, દલિત પુરુષોથી જન્મેલા તેમના બાળકોને અનુસૂચિત જાતિનો દરજ્જો મળશે. ૨૦૧૮ ના ચુકાદાને પુનરાવર્તિત કરતા, કોર્ટે કહ્યું, જાતિ જન્મથી નક્કી થાય છે અને લગ્ન દ્વારા જાતિ બદલી શકાતી નથી. માત્ર એ હકીકતને કારણે કે મહિલાનો પતિ અનુસૂચિત જાતિ સમુદાયનો છે, તેને અનુસૂચિત જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું ન હતું.
આ કેસમાં તેમના ૧૧ વર્ષના પુત્ર અને છ વર્ષની પુત્રી બંનેને SC જાતિ પ્રમાણપત્ર મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. મહત્વનું છે કે આ બંને છેલ્લા ૬ વર્ષથી તેમની બિન-દલિત માતા સાથે રાયપુરમાં તેમના દાદા-દાદીના ઘરે રહે છે. કોર્ટે કહ્યું કે માતા-પિતાના છૂટાછેડા પછી પણ અનુસૂચિત જાતિના બાળકોને સરકારી શિક્ષણ અને રોજગારનો લાભ મળવાનો અધિકાર રહેશે.
સુપ્રીમ કોર્ટે પતિને છ મહિનાની અંદર બાળકો માટે અનુસૂચિત જાતિ પ્રમાણપત્ર મેળવવાનો આદેશ આપ્યો હતો. વધુમાં, પતિને બાળકોના શિક્ષણ માટેના તમામ ખર્ચ ઉઠાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો.પતિએ પત્ની અને બાળકોના જીવનભર ભરણપોષણ તરીકે ૪૨ લાખ રૂપિયાની એકસામટી ચુકવણી કરી છે. આ સિવાય કોર્ટે રાયપુરમાં પતિનો એક જમીનનો પ્લોટ પત્નીને સોંપવાનો પણ આદેશ આપ્યો હતો. અગાઉ, બેન્ચે પતિને ઓગસ્ટ ૨૦૨૪ સુધીમાં પોતાની પત્ની માટે અંગત ઉપયોગ માટે ટુ-વ્હીલર ખરીદવાનો નિર્દેશ આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટે મહિલાને બાળકો અને તેમના પિતા વચ્ચેના સંબંધને સુધારવામાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો હતો. આ હેઠળ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે બાળકો તેમના પિતાને સમય-સમય પર મળે અને રજાઓમાં તેમને તેમની સાથે સમય પસાર કરવાની મંજૂરી આપવામાં આવે. બેન્ચે દંપતી દ્વારા એકબીજા સામે દાખલ કરવામાં આવેલી ક્રોસ FIR અને અન્ય કેસોને પણ ફગાવી દીધા હતા.
મહત્વનું છે કે આ ર્નિણય કલમ ૧૪૨ હેઠળ સુપ્રીમ કોર્ટના વ્યાપક હસ્તક્ષેપનું બીજું ઉદાહરણ છે. જેમાં માત્ર વૈવાહિક વિખવાદનો ઉકેલ જ નહીં પરંતુ બાળકોના અધિકારો અને તેમના ભવિષ્યનું પણ રક્ષણ કરવામાં આવ્યું હતું.