Last Updated on by Sampurna Samachar
ટેલિકોમ ઇન્ડસ્ટ્રી દ્વારા બદલાયા સિમ કાર્ડના નિયમો
ખોટી રીતે સિમ કાર્ડ લેવા પર દર ત્રણ વર્ષની કેદની સજાની જોગવાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સ્માર્ટફોન આપણા જીવનનો ખાસ હિસ્સો બની ગયો છે. તેના વિના અમુક કલાક પસાર કરવા પણ અશક્ય થઈ ગયા છે. ત્યારે મોબાઇલ સિમ કાર્ડ વિના ફોન અધૂરો છે, સિમ વિના ફોન ચાલી શકતો નથી. દરમિયાન કાયદેસર સિમ કાર્ડ હોવું ખૂબ જરૂરી છે. તાજેતરમાં જ ટેલીકોમ ઈન્ડસ્ટ્રીએ સિમ કાર્ડ (SIM CARD) સાથે જોડાયેલા ઘણા ફેરફાર કર્યા છે. જેના વિશે તમારા માટે જાણવું જરૂરી છે. આ નવા પરિવર્તન સાઈબર ફ્રોડ રોકવા માટે લાગુ કરવામાં આવ્યા છે.
રિપોર્ટ અનુસાર હવે નવા સિમ કાર્ડના એક્ટિવેશન્સ માટે આધાર દ્વારા બાયોમેટ્રિક વેરિફિકેશન કરવું જરૂરી થઈ ગયું છે. સિમ કાર્ડ વેચવા માટે પણ સરકારે રિટેલર્સ માટે નવા નિયમ જારી કરી દીધા છે. હવે રિટેલર્સે આ પ્રક્રિયાનું પાલન કરીને જ સિમ કાર્ડ વેચવું પડશે. ગ્રાહકના નામે કેટલા સિમ કાર્ડ કનેક્શન છે, તેની તપાસ કરવી પડશે. સાથે જ જો ગ્રાહકે અલગ-અલગ નામથી કનેક્શન લીધા છે તો તેની પણ તપાસ હવે કરવામાં આવશે. આ સાથે જ ગ્રાહકના ફોટો પણ હવે ૧૦ અલગ-અલગ એન્ગલથી લેવા પડશે.
DOT નિયમો અનુસાર એક વ્યક્તિ પોતાના આધારથી માત્ર ૯ સિમ ખરીદી શકે છે. ૯ થી વધુ સિમ કાર્ડ રાખવા પર પહેલી વખત ઉલ્લંઘન કરનાર પર ૫૦,૦૦૦ રૂપિયા અને વારંવાર ઉલ્લંઘન કરનાર માટે ૨ લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવશે.
ખોટી રીતે સિમ કાર્ડ લેવા પર ૫૦ લાખ રૂપિયા સુધીનો દંડ અને ત્રણ વર્ષની જેલની જોગવાઈ છે. દરમિયાન એ જાણવું ખૂબ જરૂરી છે કે તમારા આધારથી કેટલા સિમ લિંક છે. જો તમે કોઈ સિમનો ઉપયોગ કરી રહ્યાં નથી તો તમે તેને ડિસકંટિન્યૂ કરી શકો છો. તમારા આધારથી કેટલા સિમ લિંક છે તેની ડિટેલ જરૂર રાખો અને જે નંબર યુઝ કરી રહ્યાં નથી તેને તાત્કાલિક અનલિંક કરી શકો છો. તમે સેકન્ડ્સમાં આ કામ કરી શકો છો.