Last Updated on by Sampurna Samachar
યોગ્ય સમય અને યોગ્ય સંજોગોની રાહ જોવી પડશે
ચાહકો દયાબેનના પાત્રની જોઇ રહ્યા છે રાહ
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા ૧૭ વર્ષથી લોકપ્રિય ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ ટીવી શૉ સાથે લોકોના બાળપણની ઘણી યાદો જોડાયેલી છે. આ એવા પસંદગીના શૉમાંથી એક છે જે ફક્ત હિટ જ નથી પરંતુ આ શૉના બધા પાત્રો પણ ખૂબ જ હિટ રહ્યા છે. પરંતુ શૉમાં જે પાત્ર લોકોને સૌથી વધુ ગમ્યું છે તે દયાબેનનું પાત્ર છે. લાંબા સમયથી તેને શૉમાં પાછી લાવવાની માંગ કરવામાં આવી રહી છે. આ અંગે શૉના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ મૌન તોડ્યું છે.
પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ એક ઈન્ટરવ્યૂમાં દયાબેનના વાપસી વિશે જણાવ્યું હતું કે, દિશા વાકાણીએ દર્શકો પર ઊંડી છાપ છોડી છે અને અમે તેને નાના પડદા પર જોયાને ૮ વર્ષ થઈ ગયા છે. તેનું પાત્ર હજુ પણ દર્શકોના દિલમાં વસે છે. તેને પાછી લાવવી મુશ્કેલ છે અને એ કામ એટલુ સરળ પણ નથી. આ માટે, યોગ્ય સમય અને યોગ્ય સંજોગોની રાહ જોવી પડશે.
દિશાએ વર્ષ ૨૦૧૭માં જ શૉ છોડી દીધો હતો
આ જ અંગે વધુમાં વાત કરતા પ્રોડ્યુસરે કહ્યું કે, મારું પૂરેપૂરું ધ્યાન હાલ સ્ટોરીટેલીંગ પર છે. મારું એવું માનવું છે કે વાર્તા મજબૂત હોય તો દર્શકો તેને સારી રીતે માણે છે. આથી જ્યારે વાર્તા મજબૂત હોય ત્યારે પાત્રની ગેરહાજરી વધુ અનુભવાતી નથી. આ શૉ હંમેશા એક મજબૂત વાર્તાના કારણે આગળ વધ્યો છે. જ્યાં સુધી અમે અદભુત અને રસપ્રદ કન્ટેન્ટ આપતા રહીશું, ત્યાં સુધી દર્શકો શૉ સાથે જોડાયેલા રહેશે. પછી ભલે અમુક પાત્ર શૉમાં રહે કે ના રહે.
શૉ વિશે વાત કરીએ તો, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શૉ વર્ષ ૨૦૦૮ માં શરૂ થયો હતો. આ શૉને ૧૭ વર્ષ થઈ ગયા છે અને અત્યાર સુધીમાં તેના ૪૩૧૦ એપિસોડ પ્રસારિત થયા છે. આ આંકડો ખૂબ મોટો છે અને ભાગ્યે જ કોઈ સિરિયલમાં આનાથી વધુ એપિસોડ હશે. શૉમાં દિશા વાકાણી વિશે વાત કરીએ તો, તે પહેલા ૧૦ વર્ષ સુધી આ શૉનો ભાગ હતી. પરંતુ આ પછી દિશાએ દીકરીને જન્મ આપ્યો હોવાથી વર્ષ ૨૦૧૭માં જ શૉ છોડી દીધો હતો.