Last Updated on by Sampurna Samachar
RBI એ આ ચલણી નોટોને લઇ કરી જાહેરાત
ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નોટોને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. RBI એ કહ્યું છે કે ટૂંક સમયમાં જ તે ૧૦૦ અને ૨૦૦ રૂપિયાની નવી નોટ બહાર પાડવા જઈ રહી છે. જોકે, આ નવી નોટોની ડિઝાઇનમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં.
આ નવી નોટો પર નવા નિયુક્ત ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષર હશે. સેન્ટ્રલ બેન્ક અનુસાર, આ એક સામાન્ય પ્રક્રિયા છે. જે અંતર્ગત દરેક નવા ગવર્નરની નિમણૂક બાદ તેમના હસ્તાક્ષરવાળી નોટો જારી કરવામાં આવે છે.
ટૂંક સમયમાં ચલણમાં આવશે નવી નોટ
RBI સમયાંતરે વર્તમાન ગવર્નર (GOVERNER) ના હસ્તાક્ષર સાથે નવી નોટ બહાર પાડે છે. નવા RBI ગવર્નરની નિમણૂક પછી નવી નોટો બહાર પાડવી એ નિયમિત પ્રક્રિયા છે. આ નવી નોટો ટૂંક સમયમાં ચલણમાં આવી જશે. સંજય મલ્હોત્રાએ ડિસેમ્બર ૨૦૨૪માં RBI ના ૨૬મા ગવર્નર તરીકે શક્તિકાંત દાસનું સ્થાન લીધું છે.
સેન્ટ્રલ રિઝર્વ બેન્કે કહ્યું છે કે અગાઉ જારી કરાયેલી તમામ રૂ. ૧૦૦ અને રૂ. ૨૦૦ ની નોટો કાયદેસર રહેશે અને તેને બદલી શકાશે નહીં. ચલણમાં રહેલી જૂની નોટોની માન્યતા પર કોઈ અસર નહીં પડે. આનો અર્થ એ છે કે કોઈપણ પ્રકારનું ડિમોનેટાઈઝેશન કરવામાં આવી રહ્યું નથી. RBI એ સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી ૫૦ રૂપિયાની નવી બેન્ક નોટ જારી કરવાની જાહેરાત કરી છે. ૫૦ રૂપિયાની નોટો પણ મહાત્મા ગાંધી (નવી) સિરીઝની હાલની ડિઝાઇનની હશે.
સેન્ટ્રલ બેન્કે એ પણ પુષ્ટિ કરી હતી કે પહેલાથી જારી કરાયેલી તમામ રૂ. ૫૦ ની નોટ કાનૂની ટેન્ડર અને માન્ય રહેશે. આ નવી નોટો પર માત્ર RBI ગવર્નર મલ્હોત્રાના અપડેટેડ હસ્તાક્ષર હશે અને અન્ય કોઈ ફેરફાર થશે નહીં.