Last Updated on by Sampurna Samachar
બંને શખ્સો ભાડાના મકાનમાં રહી કારખાનામાં કરતા હતા મજૂરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ જિલ્લામાંથી પ્રજાસત્તાક પર્વની ઉજવણી પૂર્વે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બે બાંગ્લાદેશી શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો બે મહિનાથી પડધરી તાલુકાના રંગપર ગામ પાસે ભાડાના મકાનમાં રહેતા હતા અને કારખાનામાં મજૂરી કરતા હતા. આ બંને શખસોને પોલીસે નજરકેદ કરી સેન્ટ્રલ આઈબીને જાણ કરી વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, રાજકોટ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ તથા પોલીસ અધિક્ષક હિમકર સિંહની સુચનાથી ગ્રામ્ય એસઓજીના પીઆઈ એફ.એ. પારગી અને તેમની ટીમે જિલ્લામાં ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડવા માટે ઓપરેશન શરૂ કર્યુ હતું. જેમાં ચેકીંગ દરમિયાન જિલ્લાના પડધરી તાલુકાના રંગપર ગામના પાટિયા પાસે મારૂતી સોસાયટી બ્લોક નં. ૩ માં રહેતા મુળ બાંગ્લાદેશના ઢાંકા રાજધાનીના જોસર જિલ્લાના મોનીરાપુર થાનાના વતની સોહિલ હુસેન યાકુબઅલી ઉ.વ.૩૦ અને વિપોન હુસેન અમીરૂલઈસ્લામ ઉ.વ.૨૮ની ધરપકડ કરી હતી.
આ બંને શખસોની પુછપરછ કરતા તેઓ બે મહિના પૂર્વે બાંગ્લાદેશથી જંગલમાર્ગે એજન્ટ મારફત બંગાળમાં ઘૂસ્યા હતા ત્યારબાદ ત્યાંથી ટ્રેન મારફત અમદાવાદ અને રાજકોટ થઈ પડધરી પહોંચ્યા હતા. તેઓ પડધરી પહોંચી ભાડાના મકાનમાં રહેવા લાગ્યા હતા અને અહીં નજીકમાં જ પ્લાસ્ટિક ફેકટરી આવેલી હોય ત્યાં મજૂરી કરવા લાગી ગયા હતા. હાલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.