આતંકવાદીઓ પોલીસ સ્ટેશનને ટાર્ગેટ બનાવી રહ્યા છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબમાં ૨૫માં દિવસે સાતમો આતંકવાદી હુમલો થયો છે. અહીં સરહદ પાસેના ગુરદાસપુરમાં કલાનૌર પોલીસ સ્ટેશનની બક્ષીવાલ ચોકી પર ગ્રેનેડ ઝીંકવામાં આવ્યો છે, જેની જવાબદારી આતંકવાદી સંગઠન ખાલિસ્તાન જિંદાબાદ ફોર્સે લીધી છે. એક મહિનાની અંતર સાતમી વખત ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો છે. આ પહેલા છેલ્લા ૨૫ દિવસમાં પંજાબમાં છ મોટા આતંકી હુમલા કરવામાં આવ્યા છે. આતંકવાદીઓ સતત હુમલાઓ કરીને પોલીસ સ્ટેશનને ટાર્ગેટ બનાવી રહ્યા છે.
ઘટનાની જાણ થતાં જ પોલીસના અધિકારીઓ અને કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને સતત હુમલાની ગંભીરતાને ધ્યાને લઈ તપાસ શરૂ કરી દીધી છે. આતંકીઓ રિક્ષા લઈને ત્યાં આવ્યા હતા અને ચોકી પર ગ્રેનેડ ઝીંકી દીધો હતો. ગ્રેનેડ ફેંકવા માટે ઉપયોગમાં લેવાતી શંકાસ્પદ ઓટો-રિક્ષાને જપ્ત કરવામાં આવી છે અને ફોરેન્સિક ટીમ દ્વારા તેની તપાસ કરવામાં આવી રહી છે.
આતંકીઓના હુમલાના કારણે પંજાબ સરકારે આકરી કાર્યવાહીની આદેશ આપ્યા છે, તેમ છતાં આતંકી સંગઠન પોલીસ સ્ટેશનને ટાર્ગેટ બનાવી ગ્રેનેટ હુમલો કરતી રહે છે. સતત સાતમો આતંકી હુમલો થયા બાદ પંજાબ પોલીસે પ્રાથમિક તપાસ કરી છે અને આ હુમલામાં પાકિસ્તાની કનેક્શન સામે આવ્યું છે. હુમલા પાછળ પાકિસ્તાની એજન્સી ISI અને ખાલિસ્તાની આતંકી સંગઠન બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ , ખાલિસ્તાની ટાઈગર ફોર્સ , KZF તેમજ અન્ય સંગનોનો હાથ છે. પંજાબ DGP ગૌરવ યાદવે કહ્યું કે, ‘આતંકી સંગઠનો ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચી રહ્યા છે. તેઓ તેમના નાપાક ઈરાદાઓને પાર પાડવા માટે પંજાબને ટાર્ગેટ કરી રહ્યા છે. પંજાબે આતંકવાદ સામે લાંબી લડાઈ લડી છે.
આતંકવાદીઓ પોલીસ સ્ટેશનને સતત ટાર્ગેટ કેમ કરી રહ્યા છે અને તેઓનો ઈરાદો શું છે, તેની તપાસ કરી રહેલા અધિકારીઓના જણાવ્યા મુજબ, કેનેડા, અમેરિકા, ન્યુઝીલેન્ડ, ફિલિપાઈન્સ અને અન્ય દેશોમાં કેટલાક એવા સંગઠનો છે, જેઓ વિદેશમાં બેઠા બેઠા ભારત વિરુદ્ધ કાવતરું રચવામાં લાગેલા છે. આ ઉપરાંત તેઓ પોતાનો દબદબો દેખાડવા માટે ભારતમાં ખાસ કરીને પંજાબમાં આવા હુમલાઓને અંજામ આપી રહ્યા છે.
પંજાબ કેડરના ૧૯૭૭ બેંચના પૂર્વ IPS તેમજ પંજાબના પૂર્વ DGP શશિકાંત દાસે કહ્યું કે, ‘પોલીસ સ્ટેશનો પર ગ્રેનેડથી હુમલા કરવામાં આવ્યા છે, જોકે તેમાં જોવા મળ્યું છે કે, ગ્રેનેડ ફાટવાથી કોઈ મોટું નુકસાન થયું નથી. આ વિસ્ફોટોની ક્ષમતા ખૂબ જ ઓછી હતી. તેથી સ્પષ્ટ કહી શકાય કે, ઝીંકવામાં આવેલા ગ્રેનેડો જૂના હતા. આ ગ્રેનેડો ક્યાંક દબાયેલા અથવા ક્યાંક લાંબા સમયથી પડી રહેલા હશે. જેનો આતંકી જૂથો ઉપયોગ કરી રહ્યા છે અને પોલીસ સ્ટેશનને ટાર્ગેટ કરીને ડરનો માહોલ ઉભો કરવા માંગે છે.’